જામનગરના નાઘેડી તળાવ પાસે શ્રધ્ધાળુઓ જોખમી રીતે ગણેશ વિસર્જન કરતાં જોવા મળ્યા હતા. આ અંગે તંત્ર તાકિદે કાર્યવાહી કરી બંદોબસ્ત ગોઠવે તેવી જરૂરિયાત સર્જાઇ છે.
રાજ્યમાં તાજેતરમાં ગણેશ વિસર્જન સમયે દુર્ઘટનાઓ સર્જાવાના બનાવો સામે આવ્યા છે. એવામાં ગઇકાલે સાતમા દિવસે જામનગરમાં અનેક શ્રધ્ધાળુઓએ ગણેશ વિસર્જન કર્યું હતું. જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા બે સ્થળોએ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. અને નદીઓ તથા ડેમોમાં ગણેશ વિસર્જન ન કરવા જાહેરનામું પણ બહાર પડાયું છે. આમ છતાં ગઇકાલે જામનગર નજીક નાઘેડી તળાવમાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટયા હતા અને તળાવમાં ગણશે વિસર્જન કરતાં જોવા મળ્યા હતા. અહીં તંત્ર દ્વારા શ્રધ્ધાળુઓને રોકવા માટે કોઇપણ જાતની તૈયારી કે પોલીસ બંદોબસ્ત ન હોય લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતા. આવા સમયે જો કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? અહીં શ્રધ્ધાળુઓ જોખમી રીતે ગણેશ વિસર્જન કરી રહયા હતા. આથી આ અંગે તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી કરી અહીં સુરક્ષાની તકેદારી સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવાય તે જરૂરી બન્યું છે.