જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા બ્રાસપાર્ટના કારખાનામાંથી સટરના નકૂચા કાપી અજાણ્યા તસ્કરોએ કારખાનામાં પ્રવેશ કરી રૂા.2,44,620 ની કિંમતનો પીત્તળનો સામાન ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મોરકંડા ગામમાં રહેતાં અમૃતભાઈ રણછોડભાઈ સોનગરા નામના વેપારી યુવાનના દરેડ જીઆઈડીસી પ્લોટ નંબર 64, પ્રાઈવેટ ઝોન, મારૂતિ એવન્યુ સોસાયટીમાં આવેલા દિવ્યેશ બ્રાસ નામના કારખાનામાંથી ગત તા.10 ના રોજરાત્રિના પોણા નવ વાગ્યાથી તા.11 ના સવારના નવ વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન અજાણ્યા તસ્કરોએ કારખાનાના દરવાજાના સટરના નકૂચા કાપી કારખાનામાં પ્રવેશ કર્યોે હતો. ત્યારબાદ કારખાનામાંથી રૂા. 540 ના કિલો એવા 453 ગ્રામ પીત્તળનો સામાન કુલ રૂા.2,44,620 ની કિંમતનો પીત્તળ ચોરી કરી ગયા હતાં. બીજે દિવસે આ અંગેની જાણ કરાતા પીઆઈ વી.જે. રાઠોડ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભી હતી.