જામનગર શહેરમાં મચ્છરનગર હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતાં યુવકને તેના મિત્રો સાથે પૈસાની લેતી દેતી બાબતે મનદુ:ખ થયું હોય જે બાબતનો ખાર રાખી યુવકના ઘરે આવી પેટ્રોલ જેવું પ્રવાહી રેડી દિવાસળી ચાંપી હતી જેના કારણે ઘરમાં રહેલી રૂા.1.45 લાખની રોકડ રકમ સહિતનો સામાન સળગી ગયો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મચ્છરનગર હાઉસીંગ બોર્ડ બ્લોક નંબર 23 માં રૂમ 270 માં આશાપુરા મંદિરની બાજુમાં રહેતાં કિશન રમેશભાઈ પાનસુરીયા નામના યુવકના મિત્ર હિતરાજસિંહ વિક્રમસિંહ વાળા સાથે અગાઉ પૈસાની લેતી દેતી બાબતે મનદુ:ખ થયું હતું. આ મનદુ:ખનો ખાર રાખી હિતરાજસિંહ વાળા તથા યશપાલસિંહ વાળા નામના બે શખ્સોએ બુધવારે વહેલીસવારના ચાર વાગ્યાથી પાંચ વાગ્યાના સમય દરમિયાન પેટ્રોલ જેવા પ્રવાહીની ચાર બોટલો લઇ આવી કિશનના મકાનમાં છાંટી દીધું હતું અને ત્યારબાદ દિવાસળી ચાંપી કિશનને તથા તેની માતા જોશનાબેનને પતાવી દેવાની ધમકી આપી નાશી ગયા હતાં. ત્યારબાદ ઘરમાં લાગેલી આગમાં રૂા.1 લાખ 45 હજારની રોકડ રકમ અને ઘરવખરીનો સામાન સળગીને રાખ થઈ ગયો હતો. જોકે, સદનસીબે માતા અને પુત્રને કોઇ ઈજા થઈ ન હતી.
બાદમાં જોશનાબેન દ્વારા આ બનાવ અંગેની જોશનાબેન દ્વારા જાણ કરાતા પીએસઆઇ ઝેડ એમ મલેક તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ તપાસ આરંભી બંને શખ્સો વિરૂધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.