ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા ગૌવંશને નાથવા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીકળ્યું છે. ત્યારે શહેરના પોસ વિસ્તારમાં રખડતા આખલાનો શિકાર બનેલા એક મોટરસાયકલ ચાલકના ધ્રુજાવી દેતા સીસી ટીવી ફૂટેજ શહેરીજનોની ચિંતામાં વધારો કરી દીધો છે.
View this post on Instagram
ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા શારદા સિનેમા રોડ પર ગઈકાલે સાંજના સમયે એક મોટરસાયકલ પર એક યુવાન જઈ રહ્યા હતા, ત્યારે સામેથી માતેલા સાંઢની જેમ આવી રહેલા એક આખલાએ જાણે આ મોટરસાયકલ ચાલક પર જ હુમલો કરવો હોય, તેવી દોટ મુકતા મોટરસાયકલ સાથે ચાલક ફંગોળાઈ ગયા હતા અને કણસતી હાલતમાં તેમણે દેકારો કરી મુકતા આ વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકોએ તેમના વાહનો થંભાવીને આ ઘવાયેલા મોટરસાયકલ ચાલકની મદદ કરી હતી. તેમને કળ વળતા એક રિક્ષામાં બેસાડીને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ સમગ્ર બનાવ સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થઈ ગયો છે. ત્યારે ખંભાળિયાના નગરજનોને બેફામ બની ગયેલા આવા ઢોરના ત્રાસથી ક્યારે મુક્તિ મળશે તેવા સવાલો સાથે તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવા બાબતે લોકોની મીટ મંડાઈ છે.