જામનગર તાલુકાના સુવરડા ગામની સીમમાં વાડીએથી ઘરે જતાં પ્રૌઢને રસ્તામાં વીજ સબ સ્ટેશન પાસેથી અર્થિંગ લાગતા જમીન પર પટકાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સુવરડા ગામમાં રહેતાં અને ખેતી કરતા ભૂપતભાઈ મગનભાઈ નંદા (ઉ.વ.58) નામના પ્રૌઢ રવિવારે રાત્રિના સમયે તેના ખેતરેથી નિંદણ કામ કરી ઘરે પરત જવા નિકળ્યા ત્યારે વાડીમાં રહેલાં વીજ સબસ્ટેશન પાસેથી પસાર થતા તેમાંથી અર્થિંગ લાગતા જમીન પર પટકાયા હતાં અને પ્રૌઢના નાકમાંથી લોહી નિકળી જતાં પીઠ પર કાળુ ધાબુ થઈ ગયું હતું. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગેની મૃતકના પુત્ર સાગરભાઈ દ્વારા જાણ કરવામાં આવતા હેકો એસ. જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગની કાર્યવાહી હાથ ધરી હતી.