જામનગર શહેરમાં સત્યમ કોલોની રોડ પર રહેતાં વેપારી યુવાનના પિતા અને તેના કાકા સાથે બે વર્ષથી ચાલતા મિલકતના મનદુ:ખનો ખાર રાખી યુવાન નિંદ્રાધિન હતો ત્યારે તેના કાકાએ છરી વડે જીવલેણ હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સત્યમ કોલોની બ્લોક નંબર 12 માં એરફોર્સ -2 આહિર સમાજ રોડ પર રહેતાં રાજભાઈ દિલીપભાઈ ચંદાણી (ઉ.વ.31) નામના વેપારી યુવાનના પિતા દિલીપભાઈ અને યુવાનના કાકા વિજય ટેકચંદ ચંદાણી નામના બંને ભાઈઓ વચ્ચે છેલ્લાં બે વર્ષથી મિલકત બાબતનું મનદુ:ખ ચાલતું હતું અને આ મનદુખનો ખાર રાખી મંગળવારે સવારના સમયે દિલીપભાઈનો પુત્ર રાજ ચંદાણી તેના રૂમમાં સુતો હતો ત્યારે તેના કાકા વિજય ચંદાણી એ રૂમમાં આવી રાજ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી પેટમાં તથા ખંભાના ભાગે તથા કાંડામાં છરીના ઘા ઝીંકી લોહી લુહાણ કરી દીધો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીઆઈ જે.વી. ચૌધરી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ યુવાનના નિવેદનના આધારે તેના જ સગા કાકા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.