કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામમાં રહેતાં શ્રમિક યુવાન ઘર પાસે પાઈપ નાખતા હોય જેથી પાડોશીને ત્યાંથી નીકળવાની ના પાડતા પિતા તથા બે પુત્રો સહિતના ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતાં મહેશભાઈ દાનાભાઈ ડાફડા (ઉ.વ.47) નામના યુવાન તેના ઘર પાસે બાથરૂમનો ખાડો ભરાઇ જતાં પાઈપ નાખતા હતાં. જેથી પાડોશમાં રહેતા અજયને ત્યાંથી નિકળવાની ના પાડી હતી. જેનો ખાર રાખીને અજય બગડા તથા તેનો ભાઈ અને પિતા સહિતના ત્રણેય શખસોએ એકસંપ કરી મહેશભાઈ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી લોહી લુહાણ કરી મૂકયો હતો અને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ આર.વી. ગોહિલ તથા સ્ટાફે પિતા અને બે પુત્રો સહિતના ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.