જામનગર શહેરમાં સેનાનગરમાં નિવૃત્ત એરફોર્સ અધિકારીના મકાનની દિવાલમાં બાંકોડુ પાડી તસ્કરો અંદર ઘુસી રોકડ, સોના-ચાંદી સહિત કુલ રૂા.76,000 ની કિંમતનો સામાન ચોરી કરી અંગેની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ઢીચડા રોડ ઉપર સેનાનગર પ્લોટ નંબર 70 માં રહેતાં અને એરફોર્સમાંથી નિવૃત્ત થઇ ચૂકેલા હરેન્દ્ર અયોધ્યા રાય (ઉ.વ.61) નામના વૃધ્ધ બહારગામ ગયા હતાં આ દરમિયાન તા.14થી 16 જુલાઈના અરસામાં તસ્કરો એ બંધ મકાનને નિશાન બનાવતા મકાનની સાઈડની બારી, દિવાલ તોડી અંદર પ્રવેશ કરીને કબાટમાં રાખેલા રૂા.20000 ની રોકડ રકમ, રૂા.6000 ની કિંમતની સોનાની કાનની બુંટી, રૂા.24000 ની કિંમતની ચાર નંગ સોનાની વીંટી, રૂા.21000 ની કિંમતના કાનમાં પહેરવાના સોનાના ઝુમખા, રૂા.3000 ની કિંમતના બે જોડી ચાંદીના સાંકળા સહિતનો સામાનો ચોરી કરી લઇ ગયા હતાં.
બહારગામથી પરત આવેલા એરફોર્સના નિવૃત્ત અધિકાર હરેન્દ્ર રાય દ્વારા સિટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એન.પી. જોશી દ્વારા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી.