દેવભૂમિ દ્વારકાના દરીયા કિનારેથી અગાઉ આશરે અડધો ડઝન સ્થળોએથી સમયાંતરે બીન વારસું હાલતમાં ચરસ મળી આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઇ, જિલ્લા એસ.ઓ.જી., દ્વારકા પોલીસ, એસ.આર.ડી. તથા જી.આર.ડી સભ્યોને સાથે રાખી દરીયા કીનારા વિસ્તારના મળી આવેલા ચરસ બાબતે આ સમગ્ર વિસ્તારોમાં સ્ટેસ્ટીક પોઈન્ટ નકકી કરી, આ તમામ સ્થળોએ સાધન પેટ્રોલીંગ કામગીરી કરવામાં આવી હતી.
જેના અનુસંધાને શનિવારે મીઠાપુર પોલીસ સ્ટાફ તથા એસ.આર.ડી, સભ્યોની ટીમો દ્વારા મીઠાપુર વિસ્તારના મોજપ ગામના દરીયા કીનારા વિસ્તારના પેટ્રોલિંગ દરમ્યાન દ્વારકા નજીક આવેલા મીઠાપુર તાબેના મોજપ ગામના દરીયા કાંઠેથી માદક પદાર્થ ચરસના 21 પેકેટ બીન વારસુ હાલતમાં મળી આવ્યા હતા. જેમાં 23.680 કિલોગ્રામ વજનના આ ઉચ્ચ ક્વોલિટીના ચરસની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 11,84,00,000 જેટલી થવા પામે છે. આ મુદ્દામાલ જપ્ત કરી, પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય આ અગાઉ પણ દ્વારકા પોલીસ સ્ટેશનના વરવાળા દરીયા કિનારેથી આ રીતે ચરસના 32.053 કિલોગ્રામના કુલ 30 મળ્યા હતા. જેની કિંમત રૂા. 16,02,65,000 જાહેર કરવામાં આવી હતી. મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના શિવરાજપુર તથા મોજપ ગામ દરીયા કિનારેથી રૂ. 43.60 લાખનું એક પેકેટ, ચંદ્રભાગા, વાચ્છુ તેમજ ગોરીંજા દરીયા કિનારા વિસ્તારમાંથી રૂ. 11.04 કરોડની કિંમતના 22,750 કિલો વજનના 20 પેકેટ, તથા શીવરાજપુર ગામના દરીયા કિનારેથી રૂ. 34.36 કરોડની કિંમતના 68,727 કિલોગ્રામ વજનના 64 પેકેટ બીન વારસુ હાલતમાં મળી આવ્યા હતા.
આમ, આ સમગ્ર સીલસીલા દરમિયાન જિલ્લા પોલીસને દ્વારકાના દરિયા કાંઠા વિસ્તારમાંથી કુલ 73,70,35,000 ની કિંમતના 147.408 કિલોગ્રામના 136 પેકેટ સાંપડ્યા છે. જે અંગે પોલીસે વિવિધ દિશાઓમાં કાર્યવાહી કરી હતી.