જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લાં બે દિવસથી મેઘાવી માહોલ અને હવામાન વિભાગની આગાહી મુજબ હાલારમાં મેઘરાજાની સટાસટી જોવા મળી હતી. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપની સાથે સાથે વીજળીના ભયંકર કડાકા-ધડાકા વચ્ચે ધ્રોલ તાલુકાના સુમરા ગામના વાડી વિસ્તારમાં ખેતમજુરી કરતા દંપતી ઉપર આકાશી વિજળી ત્રાટકતા બંનેના મોત નિપજ્યા હતાં.
બનાવની વિગત મુજબ, હાલારમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ વાતાવરણ મેઘાવી બની ગયું છે અને હાલારમાં છેલ્લાં 24 કલાક દરમિયાન મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળ્યું હતું. જેમાં સામાન્ય ઝાપટાથી લઇને 12 ઈંચ વરસાદ વરસતા અમુક ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. વરસાદ વચ્ચે વીજળીના કડાકા-ભડાકા એ લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. દરમિયાન ગઈકાલે સાંજે ધ્રોલમાં મેઘરાજાની તોફાની બેટીંગ જોવા મળી હતી. જેમાં ભારે વરસાદની સાથે વીજળીના કડાકા-ભડાકા પણ થઈ રહ્યા હતાં. ધ્રોલ તાલુકાના સુમરા ગામના વાડી વિસ્તારમાં આકાશી વિજળી ત્રાટકતા મજૂરી કામ કરી રહેલા જયેશભાઈ સવજીભાઈ ઉમરેટીયા અને તેની પત્ની ઉપર આકાશી વિજળી પડતા બંનેના મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહોનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.