ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રવિવારે રાત્રિના સમયે તસ્કરોએ ખાતર પાડી, જુદા જુદા બે આસામીઓના રહેણાંક મકાનમાંથી કુલ રૂા. 1.20 લાખનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં આવેલા રાધે કૃષ્ણ મંદિરની બાજુમાં રહેતા વેજાણંદભાઈ ખીમાભાઈ ભોચીયા નામના 45 વર્ષના યુવાન તેમજ તેમની બાજુમાં રહેતા એક આસામીના રહેણાંક મકાનમાં રવિવારે મોડી રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કર્યો હતો.
અહીં રહેલા દરવાજા તથા કબાટના તાળા તોડી, તસ્કરોએ તેમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ઉઠાંતરી કરી લીધી હતી. આ પ્રકરણમાં કુલ રૂપિયા 1,19,600 નો મુદ્દામાલ ચોરી થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસ આરંભી છે.