જામનગર શહેરના ગણપતનગરમાં રહેતાં અને શાકભાજીનો વ્યવસાય કરતા પ્રૌઢે 10 વર્ષ પહેલાં લીધેલા રૂા.10 હજારની રકમ પેટે રૂા.50 હજારની માંગણી કરતા પૈસા ન હોવાનું જણાવતા ચાર શખ્સોએ પ્રૌઢ ઉપર લાકડી વડે હુમલો કરી બાઈક અને રીક્ષામાં તોડફોડ કરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ રોડ પર આવેલા ગણપતનગરમાં રહેતાં અને શાકભાજીનો વ્યવસાય કરતાં દિલીપભાઈ હેમુભાઈ રાઠોડ (ઉ.વ.55) નામના પ્રૌઢે મોમૈયાભાઈ ગઢવી પાસેથી 10 વર્ષ પહેલાં 10 હજાર હાથઉછીના લીધા હતાં. તે રકમ પરત આપવા માટે ઘરે બોલાવી 50 હજારની માંગણી કરતાં દિલીપભાઈએ એટલા રૂપિયા થતા નથી તેમ કહેતાં મોમૈયા ગઢવી, સાહીલ મોમૈયા ગઢવી, નરેશ મોમ્ ગઢવી અને હાર્દિક મોમ્ ગઢવી નામના પિતા-પુત્રો સહિતના ચાર શખ્સોએ દિલીપભાઈ ઉપર લાકડી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત પ્રૌઢના બાઈક અને રીક્ષામાં તોડફોડ કરી નુકસાન પહોંચાડયું હતું. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ ડી.જે. જોશી તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.