જામનગર ખાતે આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને આઈટીઆરએ દ્વારા આવતીકાલે શહેરના ધન્વન્તરિ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જે અંગે ગઇકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં કાર્યક્રમની સાથે આઈટીઆરએ દ્વારા ચાલતા યોગ કોર્ષ તેમજ યોગ દિવસની ઉજવણી પૂર્વે થયેલા વિવિધ કાર્યક્રમો અંગે પણ માહિતી આપવામાં આવી હતી અને આ યોગ દિવસની ઉજવણીમાં જામનગરની જનતાને પણ જોડાવવા આઈટીઆરએના ઈન્ચાર્જ નિયામક દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.
જામનગર સહિત સમગ્ર દેશમાં આવતીકાલે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે જામનગરમાં પણ વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણીના આયોજનો કરવામાં આવનાર છે. આઈટીઆરએ દ્વારા પણ આવતીકાલે સવારે 7 વાગ્યે ધન્વન્તરિ મેદાન ખાતે સામૂહિક યોગ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે.
છેલ્લાં નવ વર્ષથી વિશ્વસ્તરે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તેને સ્વિકૃત કરી સમગ્ર દુનિયાને તેમાં સહભાગી થવા પ્રેરિત કરવામાં આવે છે. આ વર્ષે તેને દસ વર્ષ થવા જઇ રહ્યાં છે ત્યારે આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વયં અને સમાજ માટે યોગ છે ત્યારે તેમાં સૌ કોઇ જોડાય તે ઇચ્છનીય છે.
આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાનના (આઈટીઆરએ) સ્વસ્થવૃત્ત વિભાગ, દ્વારા 100 દિવસ પૂર્વેથી યોગ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. આ સો દિવસ માટે ‘યોગ દ્વારા મહિલા સશક્તિકરણ’ની નિર્ધારિત થીમ પર આધારિત વિવિધ પૂર્વગામી કાર્યક્રમો માટે 10 અઠવાડિયા – 10 ઇવેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
યોગ – મહિલાઓ માટે વરદાન(સ્ત્રી રોગ નિષ્ણાત તબીબો માટે), માસિક ધર્મની સમસ્યાઓ માટે યોગ શિબિર, ગર્ભાવસ્થા માટે યોગ, મહિલાઓ માટે સૂર્યનમસ્કાર સ્પર્ધા, રજોનિવૃત્તિ માટે યોગ, ગ્રીષ્મ ઋતુના પીણાની સ્પર્ધા, યોગ સોલો ડાન્સ કોમ્પિટિશન, યોગ જાગૃતિ અર્થે પેમ્ફલેટ વિતરણ, આંતરરાષ્ટ્રીય યોગ દિન માટે પ્રોટોકોલ પ્રેક્ટિસ આ પ્રકારના વિવિધ 10 આયોજનોમાં 200 જેટલાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સ્પર્ધાઓના વિજેતાઓને યોગ દિને પુરસ્કૃત કરવામાં આવશે. જામનગર શહેરમાં વિવિધ 7 સ્થળોએ યોગ જાગૃતિ અર્થે 4000 પેમ્ફ્લેટ વિતરણ કરવામાં આવ્યાં હતા. આ વિવિધ 10 આયોજનોમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઇ યોગ પ્રત્યે પોતાની અભિરૂચિને ઉજાગર કરી હતી.
યોગ એ જીવનનો એક રોજિંદો ભાગ બને અને તેના કારણે લોકોમાં શારીરીક અને માનસિક સ્વાસ્થ્ય સમૃધ્ધ બને તે હેતુને વધુ બળવત્તર બનાવવા માટે ઇટ્રા કટિબધ્ધ છે અને તે માટે અહીં યોગ વિષય પર અભ્યાસ્ક્રમો તો ચલાવવામાં આવે જ છે ઉપરાંત યોગના વિવિધ વર્ગો પણ ચલાવવામાં આવે છે. અહીં યોગ અને નિસર્ગોપચારની સારવારથી અનેક દરદીઓ તેની તકલીફો માંથી મુક્ત બન્યાં છે.
વર્ષ 2024ની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વયં અને સમાજ માટે યોગ છે ત્યારે તેની ઉજવણી નિમિતે આવતીકાલે ધન્વંતરી મેદાન ખાતે આઈટીઆરએ દ્વારા સામૂહિક યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જામનગરની જનતાને જોડાવા સંસ્થાના વડા ઇન્ચાર્જ નિયામક પ્રો. વૈદ્ય બી. જે. પટગીરી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
આ પત્રકાર પરિષદમાં આઈટીઆરએના નિયામક ડો. બી જે પટગીરી, ડીન રિસર્ચ ડો. હિતેશ વ્યાસ, ડે. ડાયરેકટર ડો. જોબન મોઢા તથા સ્વસ્થવૃત્ત વિભાગના ડો. શાલીની મિશ્રા ઉપસ્થિત રહ્યાં હતાં.
બોકસ
–આઇ.ટી.આર.એ. દ્વારા વિવિધ યોગ કોર્ષ શરૂ
સંસ્થાન દ્વારા વિવિધ એક વર્ષના સ્નાતકોત્તર ડિપ્લોમા અભ્યાસક્રમો શરૂ થવા જઇ રહ્યાં છે જેમાં (1) એક્ઝિક્યુટીવ ડિપ્લોમા ઇન યોગ થેરપી (ઈ.ડી.વાય.ટી.) (2) એક્ઝિક્યુટીવ ડિપ્લોમા ઇન નેચર ક્યોર (ઇ.ડી.એન.સી.) (3) પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા ઇન યોગ એજ્યુકેશન (પી.જી.ડી.વાય.એડ.) અને 4) પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા ઇન નેચરલ થેરેપ્યુટીક્સ (પી.જી.ડી.એન.ટી.) ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024થી શરૂ કરવામાં આવશે અને તેમાં પ્રવેશ મેળવવા સંસ્થની વેબસાઇટ તેમજ રૂબરૂ સંપર્ક કરી શકાશે.