કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતાં યુવાનની પત્નીનું પાંચ દિવસ પહેલાં મૃત્યુ નિપજ્યાના બનાવ બાદ મૃતક મહિલા વિશે મજાક કરવાની ના પાડતા ત્રણ શખ્સોએ મૃતકના પતિને ઢીકાપાટુનો માર મારી સોડાની બાટલીનું ખાલી કેરેટ વડે હુમલો કરી ધમકી આપી હતી.
મળતી વિગત મુજબ, કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં નિશાળ સામેની શેરીમાં રહેતો અને ફલોરમીલ ચલાવતા અશરફભાઇ અલ્લારખાભાઈ મુલતાની નામના યુવાનની પત્નીનું પાંચ દિવસ પહેલાં મૃત્યુ નિપજ્યું હતું અને ત્યારબાદ તેના જ ગામમાં રહેતો મકદુમ રહીમ ઉર્ફે જીણા મુલતાની નામનો શખ્સ મૃતક મહિલા વિશે કમેન્ટ કરી મજાક ઉડાડતો હતો જેથી મૃતકના પતિ અશરફે મજાક નહીં ઉડાડવાનું કહેતાં મકદુમ તથા રહીમ ઉર્ફે જીણા મુલતાની અને ગુલામ અકબર રહીમ મુલતાની નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી અશરફને આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો અને સોડા બાટલીનું ખાલી કેરેટ માથામાં મારી ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હેકો વાય.પી.ગોહિલ તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.