રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના હડમતિયા ગામમાં રહેણાંક જમીન બાબતે કરિયાણાના વેપારીએ અદાલતમાં કેસ કર્યો હોવાનો ખાર રાખી બે ભાઈઓએ ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં વેપારી યુવાનને આંતરીને લાકડાના ધોકા વડે હુમલો કરી રૂા.3300 ની લૂંટ ચલાવ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, પડધરી તાલુકાના હડમતિયા ગામમાં રહેતો અને કરિયાણાનો વેપાર કરતો હસમુખ સામજીભાઈ ચૌહાણ (ઉ.વ.38) નામના યુવાનને રહેણાંક જમીન બાબતે તેના જ ગામના મહેશ અને જેન્તી નાથા સોલંકી સાથે વાંધો ચાલતો હતો અને આ વાંધાસંદર્ભે તેની વિરૂધ્ધ પડધરી કોર્ટમાં કેસ કર્યો હતો. આ કોર્ટ કેસનો ખાર રાખી યુવાન સાથે ઝઘડો કરી માર માર્યો હતો જેથી શુક્રવારે બપોરના સમયે હસમુખ તેના જીજે-01-સીકે-7498 નંબરની બાઈક પર પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતો હતો તે દરમિયાન ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં આશાપુરા માતાજીના મંદિર પાસે પહોંચ્યો ત્યારે મહેશ નાથા સોલંકી અને જેન્તી નાથા સોલંકી નામના બંને ભાઇઓએ બાઇક પર આવી હસમુખને આંતરીને લાકડાના ધોકા વડે આડેધડ માર માર્યો હતો અને ત્યારબાદ હસમુખ પાસે રહેલો અગત્યના ડોકયુમેન્ટ તથા કોર્ટ કેસના કાગળો અને 3300 ની રોકડ રકમ ભરેલા થેલાની લૂંટ ચલાવી નાશી ગયા હતાં. ત્યારબાદ આ અંગેની જાણ કરતા પોલીસે બે ભાઈઓ વિરૂધ્ધ માર મારી લૂંટ ચલાવ્યાના બનાવમાં ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.