જામનગર તથા રાજ્યના શહેરોમાં અનેક વખત બોગસ પોલીસના નામે રોફ જમાવતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. દરમિયાન જામનગરમાં સાત રસ્તા નજીક પોલીસ તરીકેને ખોટી ઓળખ ઉભી કરી કારમાં ‘પોલીસ’ લખેલ બોર્ડ મુકનાર શખ્સને પોલીસે ઝડપી લઇ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સાત રસ્તા પાસે ગઈકાલે ટ્રાફિક પીઆઈ એમ બી ગજ્જર, પીએસઆઇ તિરકર તથા સ્ટાફ સાત રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સર્કલ પાસેના પુલના નીચેના ભાગે પાર્ક કરેલી કરેલી જીજે-04-સીઆર-0003 નંબરની કાર નજરે પડી હતી. જેમાં આગળના કાચ પાછળ અંદરની સાઈડ પોલીસ લખેલી પ્લેટ અને પાછળ આર્મી લખેલું જણાતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ તપાસ કરતા ખંભાળિયાના સિધ્ધરાજસિંહ જગતસિંહ ચાવડા કે જે પોલીસ કે આર્મીીમાં કોઇમાં નોકરી ન કરતો હોવાનું બહાર આવ્યું હતું અને માત્ર રોફ જમાવવા પલેટ લગાવી હોવાનું ખુલતા પોલીસે સિધ્ધરાજસિંહ વિરૂધ્ધ રાજ્ય સેવક તરીકે ખોટી ઓળખ ઉભી કર્યાનો ગુનો નોંધી કાળા કાચ સાથેની કાર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.