સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે ગઈકાલે રવિવારે વહેલી સવારે એક બ્રાહ્મણ પરિવારના રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠતા નિંદ્રાધીન અવસ્થામાં રહેલા એક યુવાન, તેમના પત્નિ અને માતા તેમજ સાત માસની માસુમ પુત્રીના ગૂંગળાઈ જવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા.
અરેરાટીભર્યા આ બનાવની જાણવા મળતી વિગત મુજબ, દ્વારકામાં પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક આવેલા આદિત્ય રોડ પર શીતળા માતાજીના મંદિર પાસે રહેતા અને ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા પાવનભાઈ કમલેશભાઈ ઉપાધ્યાય નામના 31 વર્ષના બ્રાહ્મણ યુવાન તેમના ઘરે શનિવારે રાત્રિના સમયે સૂતા હતા. ત્યારે રવિવારે વહેલી સવારે આશરે ચારેક વાગ્યાના સમયે આ મકાનના પહેલા માળે આગ ભભુકી ઉઠી હતી.
અહીં રૂમમાં રહેલા પરિવારના સભ્યો કાંઈ સમજે તે પહેલા આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંધ રૂમમાં ગુંગળાઈ જવાના કારણે પાવનભાઈ ઉપરાંત તેમના પત્ની તિથીબેન પાવનભાઈ ઉપાધ્યાય (ઉ.વ. 29) અને આશરે સાત માસની માસુમ પુત્રી ધ્યાના તેમજ તેમના માતા ભાવીનીબેન કમલેશભાઈ ઉપાધ્યાય (ઉ.વ. 51) રૂમની બહાર નીકળી ન શકતા અહીં જ મૂર્છિત હાલતમાં રહી ગયા હતા. આગની જાણ ઇમરજન્સી 108 તથા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર સ્ટાફ તેમજ 108 એમ્બ્યુલન્સ તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઉપરોક્ત ચારેય પરિવારજનોને દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ બનાવના અનુસંધાને દ્વારકા પોલીસ સ્ટાફે પણ તુરંત ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી કરી હતી. આગ લાગવાનું કારણ જાણવા એસ.એસ.એલ.ની મદદ લેવામાં આવી હતી. ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. એક સાથે એક જ પરિવારના ચાર સદસ્યો આગના કારણે મૃત્યુ પામતા સમગ્ર દ્વારકા શહેર સાથે બ્રહ્મ સમાજમાં પણ ઘેરા શોક સાથે અરેરાટી પ્રસરી જવા પામી છે.