જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં હોળીની રાત્રિ એ જુની અદાવતનું મનદુ:ખ રાખી એક યુવાન પર છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયો હતો. આ અંગે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતાં સુનિલ નથુરામ દુધરેજીયા નામના યુવાન ઉપર હોળીની રાત્રિએ 12 વાગ્યાના અરસામાં જૂની અદાવતનો ખાર રાખી તેજ વિસ્તારમાં રહેતાં પ્રકાશ ઉર્ફે પકો ગોવિંદભાઈ પરમાર નામના શખ્સે પેટના ભાગે છરીના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડતા તેેને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ હુમલાના બનાવ અંગે સુનિલના કાકા રસિકભાઈ દુધરેજીયા દ્વારા સિટી સી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી પ્રકાશ પરમાર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, પ્રકાશ પરમાર સાથે દિપ સોંદરવાના દિકરાની વાડના પ્રસંગમાં ઝઘડો થયો હોય તેનો ખાર રાખી આરોપીએ ફરિયાદીના ભત્રીજા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.