જામનગર જિલ્લાના ખંભાળિયા રોડ પર આવેલા મોડપર ગામના પાટીયા પાસે પદયાત્રીઓના સરસામાન લઇને દ્વારકા તરફ જતી બોલેરોના ચાલકે રોજડુ આડુ ઉતરતા કાબુ ગુમાવતા પલ્ટી ખાઈ જવાથી પાછળ બેસેલા વૃધ્ધનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકામાં આગામી ફુલડોલ ઉત્સવમાં હજારો લોકો પદયાત્રા કરી જતાં હોય છે અને આ શ્રદ્ધાળુઓના રસ્તામાં વિવિધ સેવાકીય કેમ્પો સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા રાખવામાં આવે છે. દરમિયાન શુક્રવારે સવારના સમયે દ્વારકા સંઘયાત્રીઓનો સરસામાન લઇને જતી જીજે-36-વી-1589 નંબરની બોલેરો કાર આડે ખંભાળિયા રોડ પરના મોડપર ગામના પાટીયા નજીક રોજડુ આડુ ઉતરતા ચાલક બાવનભાઈ બાંભવાએ બોલેરો સાઇડમાં લેવા જતાં ડીવાઈડર કટ સાથે અડી જવાથી બોલેરો પલ્ટી ખાઈ ગઈ હતી અને આ અકસ્માતમાં બોલેરોમાં પાછળ બેસેલા લખમણભાઈ લીમ્બાભાઈ વકાતર (ઉ.વ.62) (રહે. હડિયાણા તા. જોડિયા) નામના વૃધ્ધને શરીરે તથા માથામાં મુંઢ ઈજા પહોંચી હતી જ્યારે ચાલક સહિતનાને નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં લખમણભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે બોલરો ચાલકના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.