દ્વારકામાં આવેલી એરફોર્સ કોલોની પાસે એક શખ્સએ પોતે આર્મીનો કેપ્ટન હોવાનું નકલી આઈ-કાર્ડ બતાવી અને ખોટી ઓળખ ઊભી કરતા આ અંગે એરફોર્સના અધિકારી દ્વારા ભીમરાણાના શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગે દ્વારકા પોલીસ મથકમાં મૂળ યુપીના મવ જિલ્લાના વતની અને હાલ દ્વારકામાં એરફોર્સ કોલોની ખાતે રહેતા પ્રવિણકુમાર અજયકુમાર પાંડે (ઉ.વ. 41) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ગત તારીખ 14 માર્ચના રોજ સાંજે ફરજ પર રહેલા ડી.એમ.સી. સિક્યુરિટી ગાર્ડ તેમજ એરફોર્સ અધિકારી પ્રવીણકુમાર પાંડે વિગેરેને આર્મીના કેપ્ટન અંગેની ઓળખ આપતું નકલી આઈ-કાર્ડ, સર્વિસ કાર્ડ તથા લિકવર અને ગ્રોસરી કાર્ડ બતાવી અને દ્વારકા તાલુકાના ભીમરાણા ગામે રહેતા મહેશ અરવિંદ ચાસિયા નામના શખ્સ દ્વારા ખોટી ઓળખ ઊભી કરવામાં આવી હતી.
આ રીતે આર્મીના કેપ્ટન ન હોવા છતાં પણ આ પ્રકારના ખોટા કાર્ડ બનાવી અને તેનો ખરા તરીકે ઉપયોગ કરીને આર્મીના કેપ્ટન તરીકેની ખોટી ઓળખ આપીને ઠગાઈ કરવામાં આવી હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે એરફોર્સના અધિકારી પ્રવીણકુમાર પાંડેની ફરિયાદ પરથી ભીમરાણાના મહેશ અરવિંદ ચાસીયા સામે આઈ.પી.સી. કલમ 170, 419, 465, 468 તથા 471 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. આર.વી. રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.