વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રવ્યાપી પીએમ- સૂરજ પોર્ટલ (પ્રધાનમંત્રી સામાજીક ઉત્થાન અને રોજગાર આધારિત જનકલ્યાણ પોર્ટલ)નું લોન્ચિંગ કર્યું હતું. જેના અનુસંધાને દેશભરમાં વિવિધ જગ્યાએ કાર્યક્રમો યોજાયા હતા. જામનગરમાં ધન્વંતરિ ઓડિટોરિયમ ખાતે મેયરશ્રી વિનોદભાઈ ખીમસૂરિયાના અધ્યક્ષ સ્થાને પીએમ-સુરજ પોર્ટલના લોન્ચિંગ અંર્તગત કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, દેશભરના જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે અને તેઓ પણ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી શકે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લોન્ચ કરેલા પીએમ-સૂરજ પોર્ટલના માધ્યમથી અનેક જરૂરિયાતમંદ લોકોને આર્થિક સહાય મળી રહેશે. પીએમ સૂરજ પોર્ટલ સામાજિક ઉત્થાન અને રોજગાર અને લોક કલ્યાણ પર આધારિત છે. આ પોર્ટલ દ્વારા લોન સહાય મંજૂર કરવામાં આવશે. તેનાથી લાયક લોકોને લોન લેવામાં સગવડ મળશે. લોકો આ પોર્ટલ દ્વારા સરળતાથી લોન લઈ શકશે, જેમાં તેઓ બિઝનેસ લોન માટે પણ અરજી કરી શકશે. આ સાથે કોઈએ બેંકની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં અને આ પોર્ટલ દ્વારા અરજી કરી શકાશે.
કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસૂરિયા સહિતના મહાનુભાવોના હસ્તે નમસ્તે યોજના, કુંવરબાઈનું મામેરું યોજના અને પંડિત દિન દયાળ આવાસ યોજનાનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમના સીધા ધિરાણ હેઠળની યોજનાના લભાર્થીઓએ પોતાને બે લાખની સહાય મળવા બદલ પ્રતિભાવો વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમા ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વર્ચ્યુઅલ સંબોધન નિહાળ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર બી. કે. પંડયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, રિવાબા જાડેજા, કમિશનર ડી. એન. મોદી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, પ્રાંત અધિકારી પરમાર, અનુસૂચિત જતી કલ્યાણના નાયબ નિયામક વાઘેલા, વિકસતી જાતિના નાયબ નિયામક પરમાર, કોર્પોરેટરો, અગ્રણીઓ, અધીકારીઓ સહિત બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.