પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરી દ્વારા હાલારમાં કડક વીજચેકિંગ અને બાકી વીજબીલની રકમની વસૂલાત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમજ બાકી વિજબીલ ન ભરતા આસામીઓના વીજ જોડાણો કાપી નાખવની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. ફેબ્રુઆરી 2024 દરમિયાન 2064 જેટલા ગ્રાહકોના બાકી રૂપિયા 4.08 કરોડભરપાઈ ન થતા તેમના વીજજોડાણ કાપી નાખવામાં આવ્યાં હતાં. તેમજ છેલ્લાં બે દિવસમાં 21 લાખથી વધુની વીજચોરી પણ ઝડપી લેવામાં આવી હતી.
પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરી દ્વારા વીજબીલની રકમ બાકી હોય તેવા ગ્રાહકો સામે ચાલુ માસમાં નાણાંની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંગે વીજ જોડાણો કાપવા માટે મોટી સંખ્યામાં ટીમ બનાવી મીટર તથા સર્વિસ ઉતારી લેવા માટે જામનગર તથા દ્વારકા જિલ્લામાં ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. જેમાં દૈનિક ધોરણે 200 થી વધુ ટીમો બાકી રકમની વસૂલાત માટે કામગીરી કરી રહી છે. ફેબ્રુઆરી 2024 ની અંતિત પરિસ્થિતિ મુજબ કુલ 7 લાખ ગ્રાહકો પૈકી અંદાજે 1 લાખ જેટલા ગ્રાહકોના રૂા. 72 કરોડ વીજબીલ પેટે ભરવાના બાકી રહે છે. ગત ફેબ્રુઆરી 2024 માં વસૂલાતની કામગીરી દરમિયાન કુલ બાકીદારો પૈકી 21161 ગ્રાહકો દ્વારા વીજબીલના બાકી રૂા.11.01 કરોડ ભરપાઈ કરી આપ્યા છે. તેમજ 2064 જેટલા ગ્રાહકોના બાકી રૂા.4.08 કરોડ ભરપાઈ ન થતા તેમના વીજ જોડણ કાપી નાાખવામાં આવ્યાં હતાં તેમજ આગામી દિવસોમાં પણ માસ ડિસકનેકશન ડ્રાઈવનું આયોજન કરી બાકી રહેલ તમામ બાકીદારોના વીજજોડાણો કાપી નાખવાની કાર્યવાહી ચાલુ રહેશે અને ચાલુ માસમાં રકમ ભરપાઈ ન કરીએ કંપનીના નિયમ અનુસાર વીજ જોડાણો રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. અને ત્યારબાદ જો ગ્રાહકને વીજ પૂરવઠો ચાલુ કરાવવા નવું વીજજોડાણનો થતો ચાર્જ ભરપાઈ કરી વીજ જોડાણ મેળવવાનું રહેશે.
ગ્રાહકોને બીલ ભરપાઈ કરવા માટે કોઇ અગવડતા ન પડે તે માટે માર્ચ 2024 ના મહિનામાં જાહેર રજાના દિવસોમાં પણ તમામ પેટા વિભગીય કચેરી હેઠળના કેશ કલેકશન સેન્ટર ચાલુ રહેશે. જે સુવિધાનો લાભ લેવા પીજીવીસીએલ દ્વારા અનુરોધ કરાયો છે તેમજ બાકી રહેતાં વીજબીલના નાણાં તાત્કાલિક ભરી આપવા પણ અપીલ કરવામાં આવી છે. જેથી અંધારપટ્ટ થવાથી થતી તકલીફ વધારાના ચાર્જમાંથી મુકત થઈ શકે.
વીજબીલના નાણાં પીજીવીસીએલ ઓફિસના કેસ કલેકશન સેન્ટર તથા ગામડાની ઈ ગ્રામપંચાયતમાં ભરપાઈ કરી શકાશે. તદઉપરાંત ઓનલાઈન ચૂકવણી કરવા માટે કંપની દ્વારા પૂરા પાડવામાં અવતા વિવિધ માધ્યમો થકી પણ વીજબીલની ચૂકવણી થઈ શકશે તેમ અધિક્ષક ઈજનેર પીજીવીસીએલ વર્તુળ કચેરી જામનગરની યાદીમાં જણાવાયું છે.
આ ઉપરાંત જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા છેલ્લા ંબે દિવસ દરમિયાન વીજચોરી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મંગળવારે જામજોધપુર તાલુકાના સતાપર અને ઉદેપુર વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 14 જેટલી ટીમો દ્વારા પાંચ લોકલ પોલીસ, નવ એસઆરપી સહિતની ટીમોને સાથે રાખી 138 જેટલા વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતાં. જે પૈકી 18 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા 7.29 લાખના વીજપૂરવણી બીલો ફટકારવામાં આવ્યા હતાં તેમજ ગઈકાલે બુધવારે કાલાવડ તાલુકા તથા જામનગર શહેરમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. કાલાવાડ તાલુકાના નાના મોટા પાંચદેવડા, છતર સહિતના ગ્રામ્ય વિસ્તારો તથા જામનગર શહેરના ગોકુલનગર, પાણાખાણ, બેડી રીંગ રોડ સહિતના વિસ્તારોમાં પીજીવીસીએલની 16 ટીમો દ્વારા છ લોકલ પોલીસ, 10 એસઆરપીની ટીમોને સાથે રાખી હાથ ધરવામાં આવેલા વીજ ચેકિંગમાં કુલ 202 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યાં હતાં. જેમાં 25 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા.14.10 લાખના વીજ પૂરવણી બીલો ફટકારવામાં આવ્યાં હતાં.