જામનગર શહેરમાં જિલ્લાના મોટી ખાવડી નજીક પાર્ક કરેલા ટ્રક પાછળ જામનગરના વેપારીની કાર ઘુસી જતાં વેપારીને માથામાં અને કપાળમાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના લીમડાલાઈન રજપૂતપરા શેરી નં.3 માં રહેતાં વિજયભાઈ દુબલ નામના વેપારી પ્રૌઢ મંગળવારે રાત્રિના સમયે તેની જીજે-10-ડીજે-6182 નંબરની બલેનો કારમાં ખંભાળિયાથી જામનગર તરફ આવી રહ્યા હતાં તે દરમિયાન મોટી ખાવડી ગામ નજીક પહોંચ્યા ત્યારે રોડ પર સાઈડમાં બેદરકારી પૂર્વક પાર્ક કરેલા જીજે-10-ટીવાય-1199 નંબરના ટ્રક પાછળ કાર ધડાકાભેર અથડાતા વેપરી પ્રૌઢને માથામાં તથા કપાળમાં તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારાબાદ ઈજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર પ્રિયમભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ બી. બી. કોડિયાતર તથા સ્ટાફે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.