જામનગર શહેરમાં વર્ષ 2018માં એડવોકેટ કિરીટ જોશીની ટાઉનહોલ પાસે સરાજાહેર છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી. ત્યારબાદ બુધવારે સાંજના સમયે બેડી વિસ્તારમાં ધારાશાસ્ત્રી હારૂન પલેજાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના બનાવથી જામનગર બાર એસોસિએશનમાં ઉગ્ર આક્રોશ ફેલાઈ ગયો છે. અને હત્યાના વિરોધમાં આજે જામનગરના વકીલો કોર્ટ કાર્યવાહીથી દૂર રહી સુત્રોચ્ચાર કર્યા હતાં.
જામનગર વકીલ મંડળના સભ્યો એવા એડવોકેટ હારૂનભાઈ પલેજાની બુધવારે સાંજના સમયે સરાજાહેર ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હતી અને આ હત્યાના વિરોધમાં જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, સેક્રેટરી મનોજ ઝવેરી તથા અન્ય વકીલો ગઈકાલે સાંજે હોસ્પિટલે દોડી ગયા હતાં. અને ત્યારબાદ આ હત્યાનો વિરોધ પ્રદર્શિત કરી આજે જામનગરની તમામ કોર્ટમાં વકીલો કોર્ટ કાર્યવાહીથી દૂર રહ્યા હતાં અને સૂત્રોચ્ચાર કરી હત્યારાઓને પકડીને સખ્તમાં સખ્ત સજા કરવામાં ન આવે ત્યાં સુધી જામનગર વકીલમંડળ ની લડત ચાલુ રહેશે. તેમ પ્રમુખ ભરત સુવાએ જણાવ્યું હતું તેમજ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના મોટાભાગના વકીલ મંડળો જામનગર વકીલ મંડળની સાથે છે અને જામનગરમાં 2000 જેટલા વકીલો દ્વારા આ લડતમાં વકીલ મંડળની સાથે જોડાયેલાા રહેશે. આજે સવારે કોર્ટ કમ્પાઉન્ડમાં વકીલો દ્વારા સૂત્રોચ્ચાર કરી મૃતક એડવોકેટ હારૂન પલેજાના પરિવારને યોગ્ય અને તાત્કાલિક ન્યાય મળે તેવી માંગણી કરી હતી.