જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતાં 10 પાસ શખ્સે તેની સાથે રહેલી યુવતી સાથેના રીલેશનશીપનો અંત આવ્યા બાદ યુવતીના અંગત ફોટા યુવતીના ભત્રીજાના નામની આઈડી બનાવી બદનામ કરવાના ગુનામાં સાયબર ક્રાઇમે સીક્કાના શખ્સને દબોચી લીધો હતો.
મળતી વિગત મુજબ, જામનગર શહેર સહિત વિશ્ર્વભરમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ દિવસને દિવસે વધતો જાય છે. તેની સામે આ પ્લેટફોર્મના ગેરઉપયોગથી લોકોને બદનામ કરવા તથા ગુનાઓ આચરવા ઉપયોગ કરવામાં આવે છે. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા અવાર-નવાર સોશિયલ મીડિયાના માધ્યમથી થતા છેતરપિંડીના તેમજ અજાણી વ્યક્તિઓ સાથે ફ્રેન્ડ રીકવેસ્ટ નહીં સ્વીકારવી સહિતના સાવચેતીના પગલાંઓ અંગે પ્રજાને જાગૃત્ત કરવામાં આવે છે તેમ છતાં સોશિયલ મીડિયાના માધ્યમથી ગુનેગારો અવનવા કીમીયાઓ કરી લોકોની સાથે છેતરપિંડી કરવા ઉપરાંત બદનામ કરવાના ક્રૃત્યો આચરતા હોય છે. આવો જ એક કિસ્સામાં જામનગર તાલુકાના સીક્કા ગામમાં આવેલા હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં રહેતો તથા ડ્રાઈવિંગ અને દૂધનો વેપાર કરતો 10 ધોરણ ભણેલો વેજાણંદ ઉર્ફે વિજય લાખા કારીયા નામના શખ્સ દ્વારા એક યુવતી સાથે રીલેશનશીપમાં આવ્યો હતો અને તે દરમિયાન બંનેના ફોટાઓ તથા વીડિયો શૂટીંગ કર્યા હતાં.
દરમિયાન યુવતી સાથેના રીલેશનનો અંત આવ્યા બાદ વેજાણંદે યુવતીના ફોટા અને સ્ક્રીનશોર્ટ યુવતીની મરજી વિરૂધ્ધ સંમતિ વગર તેણીના મિત્ર વર્તુળ અને સંબંધીઓને મેસેન્જર દ્વારા મોકલવા માટે યુવતીના જ ભત્રીજાના નામની બોગસ આઈડી બનાવી બદનામ કરી હતી. આ અંગેની યુવતી દ્વારા જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કરાયેલી ફરિયાદના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ પી પી ઝા, પીએસઆઇ એ.આર. રાવલ, હેકો ભગીરથસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, પો.કો. કલ્પેશ મૈયડ, એએસઆઈ ડી.જે. ભુસા, ચંપાબેન વાઘેલા, ધર્મેશ વનાણી, રાજેશ પરમાર, રાહુલ મકવાણા, જેસા ડાંગર, રંજનાબેન વાઘ, વિકી ઝાલા, પુજાબેન ધોળકિયા, ગીતાબેન હિરાણી, ચંદ્રિકાબેન ચાવડા, નીલમબેન સીસોદીયા, અલ્કાબેન કરમુર સહિતના સ્ટાફે ટેકનિકલ એનાલિસીસ અને લોકેશનના આધારે સતત વોચમાં રહી વેજાણંદ ઉર્ફે વિજય કારીયાને સીક્કા ગામમાંથી દબોચી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.