લોકસભાની ચૂંટણીનું કાઉન્ટ-ડાઉન શરૂ થતાંની સાથે જ ચૂંટણીની કામગીરીમાંથી છટકવા માટે કેટલાક કર્મચારીઓ બિમારીનું બહાનું આગળ ધરી ધડાધડ અરજીઓ જિલ્લા ચૂંટણી તંત્રમાં સબમીટ કરાવવા લાગેલ છે. જેમાં અત્યાર સુધીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કચેરીઓના 150થી વધુ કર્મચારીઓએ ચૂંટણીની કામગીરીમાંથી મુક્તિ મેળવવાની અરજીઓ કરી છે. પરંતુ આ વખતે ચૂંટણીની કામગીરીમાંથી છટકવા માંગતા આવા કર્મચારીઓનું પેનલ મેડીકલ કરાવવાનો નિર્ણય અધિક કલેક્ટર ચેતન ગાંધી અને મુછાર દ્વારા લેવામાં આવેલ છે.
આ માટે ખાસ એકશન પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવેલ છે. રાજકોટ શહેર જિલ્લામાં ચૂંટણીની કામગીરીમાંથી બિમારીના બહાને છટકવા માંગતા આવા કર્મચારીઓનું સૌ પ્રથમવાર પેનલ મેડીકલ કરવાનો આ નિર્ણય લેવામાં આવેલ છે. જેમાં કર્મચારીઓ ફીટ સાબિત થશે તો આવા કર્મચારીઓને મેડકલ સર્ટીફીકેટ આપનાર ડોકટર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે લોકસભાની આગામી ચૂંટણી માટે જેના વહીવટી વિભાગ અને ચૂંટણી તંત્ર દ્વારા રાજ્ય સરકારના 64 બોર્ડ, કોર્પોરેશન અને કેન્દ્ર સરકારની મળીને 110 કચેરીઓના 19 હજાર કર્મચારીઓની ડેટાએન્ટ્રી અગાઉ કરી દેવામાં આવી છે. આ અંગે અધિક કલેક્ટર ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે કમરનો દુ:ખાવો, ડાયાબીટીસ, હાર્ટ સહિતના બિમારીના બહાના હેઠળ ચૂંટણી ફરજમાંથી મુક્તિ મેળવવા માટે મોટાભાગના કર્મચારીઓએ અરજી કરી છે. પરંતુ આવા તમામ કર્મચારીઓને પેનલ મેડીકલ કરાવાશે જેમાં કેન્સર, ડિલીવરી સહિત ગંભીર બિમારીના કેસોમાં જ ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ રજા મંજુર કરાશે. બિમારીનું ખોટું કારણ દર્શાવી અરજી કરનાર કર્મચારીઓ પેનલ મેડીકલ દરમિયાન ફીટ જણાશે તો આવા કર્મચારીઓને મેડીકલ સર્ટીફીકેટ આપનાર ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે.