જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ આજે પ્રથમ વખત કાશ્મીરના શ્રીનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિશાળ રેલી યોજાવા જઈ રહી છે. પીએમ મોદી વિશ્ર્વને સંદેશ આપશે કે કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી ભારત એક છે. ‘એક ભારત, મજબૂત ભારત’ના વિચાર પર ભાર મૂકવામાં આવશે.બીજી તરફ ન્યાય યાત્રાના માધ્યમથી રાહુલ ગાંધી આજે ગુજરાતમાં પ્રવેશી રહયા છે. દાહોદ જિલ્લાના જાલોદથી પ્રવેશનારી રાહુલની ન્યાય યાત્રાના સ્વાગતની તૈયારીઓ કરી લેવામાં આવી છે. આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં ભ્રમણ કરનારી ન્યાય યાત્રા 400 કિલોમીટરનો પ્રવાસ કરશે. જેમાં રાજ્યના 7 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર કાશ્મીર જઈ રહ્યા છે. ગુરુવારે (7 માર્ચ) પીએમ મોદી શ્રીનગરમાં વિકસીત ઈન્ડિયા વિકસીત જમ્મુ- કાશ્મીર અંતર્ગત 6400 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન બપોરે 12 વાગ્યે શ્રીનગર પહોંચશે. જ્યાં તેઓ જાહેરસભાને સંબોધન કરશે. આ જાહેર સભા શ્રીનગરના બખ્શી સ્ટેડિયમમાં યોજાશે. જ્યાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અહીં હજારો સૈનિકો તહેનાત છે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ 1000 યુવાનોને જોબ લેટર પણ આપશે. આ પહેલા પીએમ મોદીએ 2019માં કાશ્મીરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે લોકસભા ચૂંટણી માટે પાર્ટી માટે પ્રચાર કર્યો હતો. કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019 ના રોજ કલમ 370 ની જોગવાઈઓ રદ કરી. આ સાથે, તેને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીની શ્રીનગર મુલાકાતને કારણે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે. ટટઈંઙ મુવમેન્ટ દરમિયાન લોકોની અવરજવર રોકવા માટે ઘણી જગ્યાએ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. દેખરેખ માટે ડ્રોન અને સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બખ્શી સ્ટેડિયમના બે કિલોમીટરના દાયરામાં સુરક્ષા દળો પગપાળા પેટ્રોલિંગ કરી રહ્યા છે.
જેલમ નદી અને દલ સરોવરમાં મરીન કમાન્ડોને તહેનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈ ત્યાંથી હુમલા ન કરી શકે. વડાપ્રધાનના અવર-જવરના માર્ગ પર આવતી ઘણી શાળાઓ બે દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે, જ્યારે ગુરુવારે યોજાનારી બોર્ડની પરીક્ષાઓ આવતા મહિના સુધી સ્થગિત કરવામાં આવી છે.
‘ભારત જોડો ન્યાય યાત્રા’ લઈને નીકળેલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ગુરૂવારે બપોરે દાહોદ જિલ્લાના ઝાલોદથી ગુજરાતમાં ચાર દિવસ માટે ભ્રમણ કરશે. 10 માર્ચ સુધી રાજયના 7 આદિવાસી જિલ્લાઓમાં આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી 6 જાહેર સભા, 27 કોર્નર મીટિંગ, 70થી વધુ સ્થળે સ્વાગત અને ટાઉન યાત્રાઓ યોજશે. જેમાં કોંગ્રેસના વિવિધ આગેવાનો તથા આમઆદમી પાર્ટીના નેતાઓ પણ જોડાશે. યાત્રા દરમિયાન ગાંધી કંબોઈધામ (ગુરુ ગોવિંદ), પાવાગઢ તળેટી મંદિર, હરસિધ્ધિ માતાજી મંદિર, રાજપીપળા, સ્વરાજ આશ્રમ બારડોલી સહિતના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપના શાસનમાં સામાન્ય જનતાને થઈ રહેલા અન્યાય સામે સામાજિક, આર્થિક અને રાજકીય એમ ત્રણ મહત્વના ન્યાયને કેન્દ્રમાં રાખી રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો આરંભ કર્યો છે. ગુરૂવારે બપોરે ઝાલોદ ખાતે યાત્રાનો પ્રવેશ થશે ત્યારે ગુજરાત કોંગ્રેસના આગેવાનો રાહુલ ગાંધી અને યાત્રાનું સ્વાગત કરશે. દાહોદના કંબોઈધામ ખાતે રાત્રી રોકાણ કરશે અને બીજા દિવસે સવારે 8 વાગે પદયાત્રા રૂપે યાત્રાનો દાહોદ બસ સ્ટેન્ડથી આરંભ થશે.
અહીં સ્વામી વિવેકાનંદ સર્કલથી બિરસા મુંડા સર્કલથી યાદગાર ચોકથી સરદાર પટેલ સર્કલ ખાતે આ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત થશે. લીમડા ચોક ખાતે સ્વાગત થશે અને ત્યાંથી પીપલોદ, સંતરામ રોડ, ગોધરા ખાતે યાત્રાનું ભ્રમણ કરશે. ગોધરા ખાતે બપોરના ભોજન બાદ કાલોલ, કોંગ્રેસ ભવનથી યાત્રાનો આરંભ થશે. રાહુલ ગાંધી પાવાગઢ ખાતે દર્શન કરશે. જાંબુઘોડા ખાતે રાત્રી રોકાણ કરશે. દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, વલસાડ, બારડોલી, તાપી જિલ્લાઓમાં આ યાત્રા ફરશે અને 10 માર્ચના રોજ 400 કિ.મી.નો પ્રવાસ પૂરો કરી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી વિવિધ સામાજિક આગેવાનો, આદિવાસી સંગઠનો, સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ, પ્રબુધ્ધ નાગરિકો, વ્યાપારી સંગઠનોના આગેવાનો સાથે મુલાકાત યોજશે અને ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવવામાં આવશે.