જામનગરના એરફોર્સ વિસ્તારમાં એક સાથે ચાર-ચાર મકાનોમાં તસ્કરોએ તરખાટ મચાવી આશરે પોણા બે લાખની માલમતા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા પ્રતિબંધિત વિસ્તાર એવા એરફોર્સ સ્ટેશન-1 માં રહેતાં અને વોરંટ ઓફિસર તરીકે ફરજ બજાવતા કમલેશ મોહનભાઈ ચતુર્વેદી નામના અધિકારી તેના પરિવાર સાથે વતનમાં ગયા હતાં અને તે દરમિયાન ગત તા.29 થી તા. 01 માર્ચ સુધી બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી અધિકારીના મકાનમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા.81,000 ની માલમતાની ચોરી કરી ગયા હતાં. તેમજ અમોત સંજયભાઈ નામના કર્મચારીના મકાનમાંથી પણ તસ્કરો રૂા.35000 ની કિંમતની માલમતાની ચોરી કરી ગયા હતાં. તેમજ એ પી દીક્ષિતના બંધ મકાનને ટાર્ગેટ બનાવી તાળા તોડી મકાનમાંથી રૂા.25000 ની માલમતાની ચોરી કરી ગયા હતાં.
ઉપરાંત એરફોર્સ વિસ્તારમાં જ રહેતાં અખિલનાથ ડકુઆ નામના કર્મચારીના મકાનમાંથી તસ્કરોએ રૂા.35000 ની માલમતાની ચોરી કરી ગયા હતાં. આમ એક સાથે એરફોર્સ જેવા પ્રતિબંધિત વિસ્તારમાંથી ચાર-ચાર મકાનમાંથી તસ્કરો સોના-ચાંદીના દાગીના, બે લેપટોપ અને 12 હજારની રોકડ રકમ મળી કુલ રૂા.1,76,000 ની માલમતા ચોરી કરી ગયા હતાં. બનાવની જાણ કરાતા પીએસઆઇ વી.બી. બરસબિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ એફએસએલ અને ગુનાશોધક શ્ર્વાનની મદદથી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.