દ્વારકામાં રહેતા એક મજૂર પરિવારના શખ્સ દ્વારા ગુરુવારે રાત્રે પોતાની બે વર્ષની માસુમ બાળકીને ઉંધી લટકાવી અને માર મારતા આ બાળકીનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. દ્વારકા પોલીસે ચાર સંતોના પિતા એવા 39 વર્ષના આ શખ્સની ધરપકડ કરી લીધી છે.
ભારે અરેરાટીભર્યા આ બનાવની વિગત એવી છે કે દ્વારકામાં ઇસ્કોન ગેઈટ નજીક રાવળા તળાવ પાસે રહેતા રમેશ ડુંગર પરમાર કે જેને સંતાનમાં બે પુત્ર તેમજ બે પુત્રી હોય, આ શખ્સ દ્વારા ગુરુવારે રાત્રિના સમયે સૌથી નાની એવી તેની બે વર્ષની માસુમ પુત્રી રોશની રડતી હોવાથી કારણોસર ઉશ્કેરાઈ ગયેલા રમેશે બાળકીને પોતાના હાથમાં લીધી હતી. આ પરિસ્થિતિમાં આરોપી રમેશના માથામાં ઝનુન સવાર થઈ જતા તેણે માસુમ બાળાને મારી નાખવાના ઈરાદાથી તેણીના પગ પર ઉંધી લટકાવી અને વારંવાર નીચે પછાડતા બે વર્ષની આ માસુમ બાળકી આ પ્રકારનો અમાનુષી ત્રાસ સહન કરી શકી ન હતી અને થોડી જ વારમાં તેણીને મોઢામાં તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેણીનું મૃત્યુ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામના મૂળ રહીશ અને હાલ દ્વારકામાં ઇસ્કોન ગેઈટ પાસે પોલીસ ચોકી નજીક રહી અને છૂટક મજૂરી કામ કરતા દેવીપુજક દાતણીયા પરિવારના અજય વિઠલભાઈ સોલંકી (ઉ.વ. 28)ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ગત મોડી રાત્રિના સમયે આરોપી રમેશ ડુંગર પરમાર સામે મનુષ્યવધની કલમ 302 હેઠળ ગુનો નોંધી, આ પ્રકરણમાં પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા આરોપી શખ્સની અટકાયત કરી લેવામાં આવી હતી.
આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી દ્વારા જણાવાયા મુજબ મુળ અમદાવાદ જિલ્લાનો વતની અને છેલ્લે ભાવનગર ખાતે રહેતો 39 વર્ષનો આરોપી રમેશ ડુંગર પરમાર બે પુત્ર અને બે પુત્રીઓનો પિતા હતો. મજૂરીકામ કરતો આ શખ્સ તેના પરિવાર સાથે રખડતો ભટકતો રહેતો હોય કેટલાક સમયથી તે દ્વારકામાં રહેતો હતો. છેલ્લા આશરે એકાદ સપ્તાહથી તેની પત્નિ તેના પરિવારને છોડીને ચાલી ગયેલી હોવાથી બાળાની માતાના ગયા પછી બાળકોને સાચવતા રમેશે ગુરુવારે રાત્રે રડી રહેલી માસુમ રોશનીને ઊંધી લટકાવીને નીચે પટકતા આ બાળાનું ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નીપજ્યું હતું. હત્યા બાદ આરોપી નાસી છૂટ્યો હતો. પોલીસે તેને ટાઉન વિસ્તારમાંથી દબોચી લીધો હતો. આ બનાવ બાદ બાળકીને મૂર્છિત અવસ્થામાં મૂકીને રમેશ નાસી જતા નજીકમાં રહેતો ફરિયાદી અજય વિઠ્ઠલ સોલંકી બાળકીને હોસ્પિટલે લઈ ગયો હતો. નિર્દય પિતા દ્વારા માસુમ પુત્રીની આ પ્રકારે કરવામાં આવેલી હત્યાના બનાવથી દ્વારકા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.