જામનગર મહાપાલિકાની સ્થાઇ સમિતિએ શહેરમાં 121 કરોડના જુદા જુદા વિકાસ ખર્ચને બહાલી આપી છે. જામનગર શહેરની દેવરાજ દેપાળ પ્રાથમિક શાળા અને સોનલનગર પ્રાથમિક શાળાને સ્માર્ટ શાળા બનાવવામાં આવશે. જ્યારે અમૃત યોજના અંતર્ગત 67 કરોડના ખર્ચે 30 એમએલડીનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે.
ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 121 કરોડના જુદા જુદા વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. જેમાં શહેરની દેવરાજ દેપાળ પ્રાથમિક શાળા અને સોનલ નગર પ્રાથમિક શાળાને સ્માર્ટ સ્કૂલ તરીકે ડેવલોપ કરવા 4.41 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જ્યારે શહેરમાં વધુ એક 30 એમએલડીના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણ માટે 67.27 કરોડનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું.
હાપા માર્કેટીંગ યાર્ડ રોડ ઉપર નવા ફાયર સ્ટેશનના નિર્માણ તથા ફાયર સ્ટાફ કવાટર્સ બનાવવા માટે 6.98 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જ્યારે હાપા યાર્ડ પાસે રાજકોટ હાઇવેને જોડતાં રસ્તાને ડામર કાર્પેટ કરવા 1.35 કરોડનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. વોર્ડ નં. 15 અને 16ના લાલપુર રોડ ઉપર રૂા. 2.53 કરોડના ખર્ચે સિવિક સેન્ટર બનાવવામાં આવશે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લાખોટા તળાવમાં આવેલ વોલ નં. 1 અને 2ને લાયબ્રેરી અને ગેમીંગ ઝોન વિકસાવવા 2.28 કરોડ ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. જ્યારે 1.51 કરોડના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્કના વોલ નં. 2 અને 3માં યોગા તથા જુમ્બા સ્ટુડીયો વિકસાવવામાં આવશે.
શહેરની હાલની આંગણવાડીઓને સ્માર્ટ અને જોયફૂલ બનાવવા અપગ્રેડેશનના કામ માટે 3 કરોડનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જુદા જુદા વોર્ડમાં ભૂગર્ભ ગટરના નેટવર્ક, મજબૂતિકરણ તથા વિસ્તૃતીકરણ માટેના કામને પણ બહાલી આપવામાં આવી છે. જુદા જુદા વોર્ડમાં સિમેન્ટ રોડ તથા સીસી બ્લોકના કામોને પણ બહાલી આપવામાં આવી છે. આગામી ચોમાસાની તૈયારીઓ જામનગર મહાપાલિકાએ અત્યારથી જ આરંભી દીધી હોય તેમ પ્રિમોન્સુન કામગીરીના જુદા જુદા 11 ભાગોની કામગીરીને બહાલી આપવામાં આવી છે. સ્થાયી સમિતિની બેઠકમાં નિવૃત્ત થયેલા કર્મચારી ભોજુભા ગોવુભા ચુડાસમા તથા સલમાબેન મુરીમાને નિવૃત્તિ સન્માન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં મેયર વિનોદ ખિમસુર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, ડે. કમિશનર વાય.ડી. ગોહિલ, ઇન્ચાર્જ આસી. કમિશનર જિગ્નેશ નિર્મલ તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.