જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત રોડ-શોને ધ્યાને લઇ સાંસદ પૂનમબેન માડમ સહિતના ભાજપાના અગ્રણીઓએ કલેકટર, કમિશનર, એસપી સહિતના અધિકારીઓ સાથે રોડ-શોના રૂટને લઇ તમામ વ્યવસ્થાનું સ્થળ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું અને અધિકારીઓ સાથે જરુરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ જરુરી સૂચનો પણ આપવામાં આવ્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 25ના દ્વારકા જિલ્લામાં સિગ્નેચર બ્રિજના લોકાર્પણ અર્થે આવી રહ્યાં છે. તે પૂર્વે તા. 24ના રોજ જામનગરમાં રાત્રી રોકાણ કરશે. ત્યારે જામનગરમાં રાત્રી રોકાણ પૂર્વે વડાપ્રધાન રોડ-શો યોજે તેવી સંભાવના હોય, ગઇકાલે જામનગરના સાંસદ સહિતના ભાજપાના અગ્રણીઓએ સ્થળ નિરિક્ષણ કર્યું હતું. વડાપ્રધાનની મુલાકાતને લઇ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે. તો બીજીતરફ જામનગર ભાજપ પણ વડાપ્રધાનને આવકારવા તડામાર તૈયારી કરી રહ્યું છે. વડાપ્રધાનના જામનગરમાં રોડ-શોની સંભાવનાને લઇ ગઇકાલે હાલારના સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ સહિતના ભાજપા અગ્રણીઓએ જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી, કલેકટર ડી.કે. પંડયા, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના ભાવેશભાઇ જાની સહિતના અધિકારીઓ સાથે રોડ-શોના રૂટ માટે સ્થળ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ વડાપ્રધાનના રોડ-શો માટે અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા પણ કરી હતી.