વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગરમાં રાત્રી રોકાણને લઇ જામનગર પોલીસ તંત્ર સાબદુ થયું છે. ગઇકાલે જામનગર જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ એસઓજી, એલસીબી સહિતના પોલીસ કાફલા દ્વારા વડાપ્રધાનના રુટ ઉપર ફલેગ માર્ચ યોજાઇ હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેવભૂમિ દ્વારકામાં નવનિર્મિત સિગ્નેચર બ્રિજનો લોકાર્પણ થનાર છે. આ પૂર્વે વડાપ્રધાન જામનગરમાં રાત્રી રોકાણ કરશે. ત્યારે વડાપ્રધાનના રાત્રી રોકાણને ધ્યાને લઇ જામનગર અને દ્વારકા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનના જામનગરમાં રાત્રી રોકાણને લઇ તંત્ર એલર્ટ થઇ ચૂકયું છે. મંગળવારે રેન્જ આઇજી સહિતના પોલીસ કાફલા દ્વારા સર્કિટ હાઉસ ખાતે નિરિક્ષણ કર્યા બાદ ગઇકાલે સાંજના સમયે જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ વડાપ્રધાનના રુટના માર્ગ પર ફલેગમાર્ચ યોજાઇ હતી. વડાપ્રધાન દ્વારા જામનગર શહેરમાં રોડ-શો યોજાવાની સંભાવના હોય, જેને ધ્યાને લઇ પોલીસ વિભાગ દ્વારા માર્ગ પર નિરિક્ષણની સાથે ફલેગમાર્ચ યોજી હતી. જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા ઉપરાંત એસઓજી, એલસીબી, સીટી-એ, સીટી-બી તથા સીટી-સી ડિવિઝન સહિતના પોલીસ કાફલો આ ફલેગ માર્ચમાં જોડાયો હતો. પોલીસ દ્વારા લાલબંગલા સર્કલ સર્કિટ હાઉસથી દિગ્જામ સર્કલ સુધીના માર્ગ પર ફલેગમાર્ચ યોજાઇ હતી.