તાજેતરમાં જામનગર ખાતે સાયકલોફન યોજાઈ હતી. જેમાં જામનગરમાં નવ વર્ષના બાળકે 100 કિલોમીટર પૂર્ણ કરી હતી અને એક ઉમદા ઉદાહરણ પુરુ પાડયું હતું. અનેક સાયકલોસ્ટિો વચ્ચે આ બાળકે હિમ્મત ના હારતા 100 કિલોમીટરની સાયકલોફન પૂર્ણ કરી હતી.
જામનગર શહેરમાં રોટરી કલબ ઓફ છોટીકાશી દ્વારા ગત રવિવારે સાયકલોફનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સાયકલસવારો જોડાયા હતાં. આ સાયકલોફનમાં 100 કિલોમીટરની કેટેગરીમાં સૌથી નાની ઉમરમાં નવ વર્ષના જૈવલ સંદિપભાઈ પતીરાએ સંપૂર્ણ રાઇડ પૂર્ણ કરી સમાજને એક નવો જ સંદેશ આપ્યો હતો. જૈવલએ ખબર ગુજરાતની મુલાકાતમાં જણાવ્યું હતું કે, આ ઈવેન્ટમાં ભાગ લેવાનું નકકી કર્યુ ત્યારે તેમના માતા તુરંત માની ગયા હતાં પરંતુ તેમના પિતા થોડા ગભરાતા હતાં અને આ ઈવેન્ટમાં ભાગ લેવા દેવા માટે આના કાની કરતા હતાં પરંતુ તેણે તેના પિતાને મનાવી આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. અને હિમ્મત જાળવી રાખી આ કાર્ય પૂર્ણ કર્યુ હતું. તેેણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઈવેન્ટમાં મોટી ઉંમરના તેમજ મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા હતાં. તેમની વચ્ચે આ તેણે આ ઈવેન્ટમાં જોડાઈ ખૂબ અનુભવ મેળવ્યો હતો અને આ ઇવેન્ટ પૂર્ણ કરવાનું ગૌરવ પણ મેળવ્યું હતું.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઇવેન્ટથી અનેક યુવાનો વચ્ચે નાની ઉંમરમાં ભાગ લેવાથી ખૂબ સારો અનુભવ મળ્યો અને આનંદ પણ મળ્યો હતો. તેમજ હાલના સમયમાં વાહનો ખૂબ વધી રહ્યા છે. તેમાં પ્રદૂષણ પણ વધી રહ્યું છે. ત્યારે લોકોએ પણ જાગૃત્ત થઈ સાયકલીંગ અપનાવવું જોઇએ. જેથી પર્યાવરણને પણ ફાયદો થાય અને પેટ્રોલનું પ્રદૂષણ નિવારી શકાય. આ સાયકલોફન ઉપરાંત તે તેના પિતા સાથે ગત વર્ષે ટે્રકિંગમાં પણ ભાગ લઇ ચૂકયો છે. તેમજ ચોથા ધોરણમાં અભ્યાસ કરતો જૈવલ આટલી નાની ઉંમરે સો કિલોમીટરની સાઇકલીંગ પૂર્ણ કરતા તેમના માતા-પિતાને પણ ખુશીનો પાર ન રહ્યો હતો. તે છેલ્લાં ત્રણથી ચાર વર્ષથી સાયકલીંગ કરી રહ્યો છે. તે આ પૂર્વે 70 કિલોમીટર સુધીની સાયકલીંગ પણ કરી ચૂકયો છે.
જૈવલની આ સિધ્ધી અંગે તેના પિતા સંદિપભાઈએ જણાવ્યું હતું કે, ગત વખતે રોટરી કલબની જ ઈવેન્ટમાં તેણે 50 કિલોમીટરની સાયકલીંગ કરી હતી અને ત્યારે જ તેણે નકકી કર્યુ હતું કે, હવે 100 કિલોમીટર સાયકલીંગ ઈવેન્ટ કરવી છે અને આ વર્ષે જ્યારે ઇવેન્ટનું રજીસ્ટ્રેશન શરૂ થયું ત્યાં સુધી તેણે કોઇ પ્રેકટીસ કરી ન હતી. પરંતુ, નિશ્ર્ચય મનોબળથી તેણે 100 કિલોમીટર સાયકલીંગ કરવાનું નકકી કર્યુ હતું. આ અંગે તેના પરિવારજનોએ પણ તેને સપોર્ટ આપી 100 કિલોમીટરમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ઈવેન્ટમાં આરામથી તેણે કોઇપણ જાતની કમ્પ્લેઈન વિના આ 100 કિલોમીટરની સાયકલોફન પૂર્ણ કરી હતી. અને આગળ પણ તે સ્પોર્ટમાં આગળ વધે તેમ તેના પિતાએ વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. તેમજ તેના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે સ્પોર્ટસ થકી તમારું માઈન્ડ ડેવલપમેન્ટ થાય છે તેથી બાળકોએ સ્પોટ્સમાં રહેવું જ જોઇએ. અભ્યાસની સાથે સાથે સ્પોટર્સનું પણ મહત્વ છે.