જામનગર શહેરના ખોડિયાર કોલોની સામે આવેલા ન્યુુ આરામ કોલોની વિસ્તારમાં રહેતી યુવતીને કેનેડામાં રહેતા પતિ અને અમદાવાદમાં રહેતા સાસુ સસરાએ એકસંપ કરી અવાર-નવાર મારકૂટ કરી અને પતાવી દેવાની ધમકી આપી દહેજ પેટે રૂપિયાની માંગણી કર્યાના બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની સામે આવેલા ન્યુ આરામ કોલોનીમાં માવતરે રહેતી વૈભવીબેન હેમીન વિમલેશકુમાર ભટ્ટ (ઉ.વ.29) નામની યુવતીના લગ્ન હેમીન ભટ્ટ સાથે થયા હતાં અને હેમીન કેનેડામાં રહેતો હતો અને તે દરમિયાન લગ્નજીવનમાં સાસુ ફાલ્ગુનીબેન ભટ્ટ, સસરા વિમલેશકુમાર ભટ્ટ, દાદાજી સસરા રજનીકાંત ભટ્ટ, દાદીજી લીલાવંતીબેન ભટ્ટ, ફુવાજી સસરા પ્રવણકુમાર પાઠક, ફઇજી સાસુ કેતકીબેન પાઠક સહિતનાઓએ યુવતીના પતિને ચઢામણી કરી અવાર-નવાર ઝઘડાઓ કરાવી કરીયાવર બાબતે મેણાટોણા મારી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી દહેજપેટે રૂપિયાની માંગણી કરી અપાતા ત્રાસથી કંટાળીને યુવતીએ આખરે માવતરે જઈ કેનેડામાં રહેતા પતિ હેમિન ભટ્ટ અને સાસુ-સસરા, દાદીજી સાસુ- દાદાજી સસરા, ફઇજી સાસુ-ફઇજી સસરા સહિતના સાત શખ્સો વિરૂધ્ધ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ પી આર કારાવદરા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.