જામનગર મહાનગરપાલિકાની કોન્ટ્રાકટર કંપનીમાં ફરજ બજાવતાં ડોર-ટુ-ડોરના કામદારો પડતર પ્રશ્નોને લઇ વિરોધ કરી રહ્યાં છે. જે અંતર્ગત કર્મચારીઓએ લાલબંગલા સર્કલમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જામનગર મહાનગરપાલિકાના તાબા હેઠળ ચાલતી પાવર લાઇન કંપનીમાં ફરજ બજાવતાં અને ડોર-ટુ-ડોરની કામગીરી કરતાં 140 જેટલા કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઇ અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ આવતો નથી. જેને લઇ તા. 3-1-2024થી તેઓ ફરજથી અડગા રહી ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ કરી રહ્યાં છે. આ અંગે અખિલ ભારતીય સફાઇ મજદૂર કોંગ્રેસ દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ આવતો ન હોય, ગઇકાલે સોમવારે લાલબંગલા સર્કલ પાસે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય સફાઇ મજદૂર કોંગ્રેસના પ્રમુખ હરિશ ચૌહાણ દ્વારા કમિશનરને આ અંગે પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આમરણાંત ઉપવાસ, પુતળા દહન સહિતના કાર્યક્રમોની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.