લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં વધુ એક ગાબડુ પડવાની તૈયારી થઇ ચૂકી છે. જામજોધપુરના પૂર્વધારાસભ્ય ચિરાગ કાલરીયા કેશરિયો ધારણ કરશે. જેને લઇ જામજોધપુરના રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ તેમ પક્ષપલ્ટાની મોસમ પણ જામતી જઇ રહી છે. કોંગ્રેસ નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી ભાજપામાં જોડાઇ રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં વધુ એક ગાબડુ પડવા જઇ રહ્યું છે. ગત ચૂંટણીમાં હારેલા અને જામજોધપુર કોંગ્રેસના પૂર્વધારાસભ્ય ચિરાગ કાલરીયા કોંગ્રેસને અલવિદા કહી રહ્યા છે અને કેશરીયો ધારણ કરશે. આ અંગે મળતી માહિતી અનુસાર જામજોધપુરમાં કોંગ્રેસના પૂર્વધારાસભ્ય ચિરાગ કાલરીયા અમદાવાદ ખાતે કમલમમાં પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપામાં પ્રવેશ કરશે. લોકસભા ચૂંટણી નજીક આવતાં કોંગ્રેસ સુપડા સાફનું ઓપરેશન આગળ વધી રહ્યું છે અને જનાધાર વિનાની કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યાં છે અને ભાજપામાં જોડાઇ રહ્યા છે.