જામનગર શહેરના જે.કે.ટાવર પાસેના એપાર્ટમેન્ટમાં કાકાના ઘરે રોકાવા આવેલી યુવતી બાથરૂમમાં નહાવા જતા સમયે પડી જતાં ગંભીર ઇજા પહોંચતા બેશુધ્ધ થઇ જવાથી મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં લાખોટા તળાવ પાસે આવેલા મીગ કોલોની બ્લોક નં.4/19 માં રહેતી અને અભ્યાસ કરતી અપેક્ષા કિશનભાઇ શાહ (ઉ.વ.21) નામની યુવતી ગત્ તા.25ના રોજ તેણીના કાકાના ઘરે રોકાવા ગઇ હતી. તે દરમ્યાન સાંજના સમયે જે.કે.ટાવર પાસે આવેલા આરવ એ વીંગ એપાર્ટમેન્ટમાં ફ્લેટના બાથરૂમમાં નહાવા ગઇ હતી તે દરમ્યાન કોઇ કારણસર પડી જતાં માથામાં અને આંખ પર ગંભીર ઇજા પહોંચતા બેશુધ્ધ હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજપરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકની બેન હિરલબેન દ્વારા જાણ કરાતા હે.કો. આર.ડી.ગાંભવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.