સાંસદ પૂનમબેન માડમે બિલાસપુર-હાપા સુપરફાસ્ટ એક્સપ્રેસના ઓખા સુધીના વિસ્તરણને લીલી ઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો હતો.
સાંસદ પૂનમબેન માડમે ઓખા સ્ટેશન પર આયોજિત એક કાર્યક્રમમાં અન્ય મહાનુભાવોની હાજરીમાં ટ્રેન નં. 22939 ઓખા-બિલાસપુર સુપરફાસ્ટ એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને નવી વિસ્તૃત ટ્રેનના પરિચાલન નું ઉદ્ઘાટન કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમારે સૌને આવકાર્યા હતા અને સાંસદ પૂનમબેન માડમનો રેલવે સુવિધા વધારવામાં સતત પ્રયાસો અને સહકાર બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, આ નવી વિસ્તરણ કરાયેલી ટ્રેનની સુવિધા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના લોકો માટે ખૂબ જ ઉપયોગી થશે. કાર્યક્રમના અંતે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ જનસંપર્ક નિરીક્ષક વિવેક તિવારીએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય પબુભા માણેક, ઓખા નગરપાલિકા પ્રમુખ ઉષાબેન ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ મોહનભાઈ બારાઈ તથા અન્ય મહાનુભાવો, રેલવેના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, રેલવે સલાહકાર સમિતિ ના સદસ્યો, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.