Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજોડિયામાં 75માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

જોડિયામાં 75માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

- Advertisement -

જામનગર જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેકટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાના 75માં પ્રજાસતાક પર્વની ઉજવણી જોડિયા તાલુકાના બાદનપરના ઢાળિયા પાસે શ્રેયસ સ્કૂલની સામેના મેદાનમાં કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે દવજવંદન કરવામાં આવ્યું હતું. દવજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાથે 9 પ્લાટુન પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

- Advertisement -

પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, ચાર દિવસ પહેલા સમગ્ર દેશ રામના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યો હતો. આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શબ્દોમાં કહું તો, રામ એક ઊર્જા છે, રામ રૂપે રાષ્ટ્ર ચેતનાનુ મંદિર, રામ ભારતની પ્રતિષ્ઠા છે. આઝાદીના અમૃતકાળમાં આપણે સહુ ભારતીય નાગરિક હોવાનો ગર્વ અનૂભવી રહ્યા છીએ. સૌ આઝાદીના લડવૈયાઓ, સ્વાતંત્ર્યવીર મહાનુભાવો, માતા-બહેનો તથા તમામ સ્વાતંત્ર સેનાનીઓને આજના પ્રજાસત્તાક દિવસે હું શત – શત નમન કરું છું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસમંત્રને આપણે સત્યનિષ્ઠાપૂર્વક લઈને ચાલી રહ્યા છીએ. તેથી જ એક ભારત એક રાષ્ટ્રના એક સંકલ્પ સાથે આપણા ભારતે અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાતે આજે ગુજરાતના ખૂણે ખૂણાનો વિકાસ કરીને ઊંચાઈના શિખરો સર કર્યા છે. ગુજરાતે વિકસિત ભારત 2047ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલા લીધા છે. સ્વચ્છ ભારત અભિયાન, મેરી મીટ્ટી, મેરા દેશ અને વાઇબ્રન્ટ ગુજરાત – 2024ના સફળ આયોજન દ્વારા ગુજરાતે નવા આયામો સર્જ્યા છે.દેશ વિદેશના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 35 દેશો પાર્ટનર ક્ધટ્રી તરીકે જોડાયા હતા.

- Advertisement -

ભારત કૃષિપ્રધાન દેશ છે. આ ક્ષેત્રમાં ગુજરાતે છેલ્લા દાયકામાં અભૂતપૂર્વ સિધ્ધીઓ હાંસલ કરી છે. આજનો ખેડૂત આધુનિક તકનીક અપનાવી સફળતા હાંસલ કરી રહ્યો છે. કૃષિ મહોત્સવ જેવાં રાજય સરકારના આયોજનબદ્ધ પગલાંને કારણે ગુજરાતનો કૃષિ વિકાસ દર સતત વધ્યો છે. ગુજરાત મગફળી અને દીવેલાના ઉત્પાદનમાં પ્રથમ નંબરે છે. પ્રાકૃતિક કૃષિને ગુજરાતે વિશેષ પ્રાધાન્ય આપીને ખેડૂતોને વધુ ઝડપથી સમૃધ્ધ કરવાની દિશામાં મક્કમ પગલાં લીધાં છે. નારી ગૌરવ નીતિ અમલમાં મૂકનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ગુજરાતની મહિલાઓ અને બાળકોની ઉજ્જવળ આવતીકાલના નિર્માણ માટે આપણે કટીબધ્ધ છીએ. સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં 50 ટકા આરક્ષણ અને સરકારી નોકરીઓમાં 33 ટકા મહિલા આરક્ષણનો અમલ કરાવ્યો છે. 181 અભયમ દ્વારા ગુજરાતની બહેનો, દીકરીઓ સલામતીનો અહેસાસ કરી રહી છે. ગુજરાત ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ રેન્કિંગમાં સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. રાજ્યના યુવાઓને રોજગારી મળી રહે તે માટે રાજ્યમાં ભરતી મેળાઓનું આયોજન થાય છે. યાત્રાધામોનો વિકાસ અને આપણી સાંસ્કૃતિક પરંપરાની જાળવણી માટે સરકાર પગલાં લઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ઓખા – બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજ ટૂંક સમયમાં જ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આઝાદીના 75 વર્ષ બાદ આર્થિક, રાજકીય, સામાજિક અને ટેકનોલોજીની વ્યવસ્થાઓમાં અનેક પરિવર્તનો આવ્યા છે. દેશના મહત્વના ફોજદારી કાયદાઓ અંગ્રેજોના સમયથી ચાલતા હતા તેમાં પણ હવે ફેરફારો થયા છે. સરકારે ગુજરાતમાં ખાસ મહિલા એસઆરપી બટાલિયન સ્થાપવાનો નિર્ણય કર્યો છે. પોલીસ કોન્સ્ટેબલોની પારદર્શક રીતે ભરતી કરવામાં આવી છે.આપણું ગુજરાત સ્માર્ટ ગુજરાત બન્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રસ્થાને છે. છેલ્લા બે વર્ષમાં 3.16 લાખ આવાસોનું નિર્માણ થયું છે. સ્માર્ટ અને સ્વચ્છ સુવિધાયુક્ત શહેરોના નિર્ધાર સાથે રાજ્યમાં ગત એક વર્ષમાં લગભગ 1 લાખ 9 હજાર જેટલા ઘર ઉપર સોલર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં આવી છે. સોલાર ઉત્પાદનમા આશરે 81% ઉત્પાદન સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે. ઇન્ડિયા ટુરીઝમ સ્ટેટસ 2023ના રિપોર્ટ મુજબ વિદેશી પ્રવાસીઓની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાને છે.રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં જોડિયા તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક તેમજ દેશભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સરકારના વિવિધ વિભાગના 11 ટેબ્લો જેમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અંગેનો ટેબ્લો, ગૃહવિભાગ, આરટીઓ, વન વિભાગ, પીજીવીસીએલ, 181 મહિલા હેલ્પલાઈન,આરોગ્ય વિભાગ, કૃષિ, ખેડૂત અને કલ્યાણ વિભાગ, આઇસીડીએસ સેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, 108 ઇમરજન્સી સેવા, અભયમ, ખીલ ખિલાટ અંગેના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

જામનગર જિલ્લાના વિકાસ માટે ઇન્ચાર્જ કલેકટરના હસ્તે રૂ.25 લાખનો ચેક નિવાસી અધિક કલેકટરને તેમજ જિલ્લા આયોજન અધિકારીને અર્પણ કરવામાં આવ્યો હતો. બાદમાં મહાનુભાવોના હસ્તે જામનગર જિલ્લાના વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓ/સંસ્થાઓનું, આરોગ્ય કેન્દ્રોની, હોસ્પિટલની સુંદર સેવાઓ તેમજ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ ક્રમે આવેલ આઈસીડીએસ વિભાગનો ટેબ્લો, દ્વિતીય ક્રમે ગૃહ વિભાગ અને તૃતીય ક્રમે આવેલ પીજીવીસીએલના ટેબ્લો વિજેતા થવા બદલ સમ્માન કરાયુ હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે શ્રેયસ સ્કૂલના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ પર્વમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જિલ્લા પુરવઠા અધિકારી અવની હરણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર બિનલ સુથાર, ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કના એમડી ધરમશીભાઈ ચનિયારા, વિવિધ 9 પ્લાટુનના પ્લાટુન કમાન્ડરો, હોમગાર્ડ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત હતા. કાર્યક્રમનું સફળ સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular