જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં મહિલાના ઘરે માણસોની અવર-જવર અને વાહનો રસ્તામાં આડે-ધડ પાર્ક કરવાની બાબતે સમજાવવા ગયેલ યુવાન ઉપર ખાર રાખી બે શખ્સોએ છરી અને લાકડી વડે હુમલો કર્યો હતો.
આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં શંકરના મંદિર પાસે બારોટફળીમાં રહેતા અને લાઇટફીટીંગનો વ્યવસાય કરતા કમલેશભાઇ મોહનદાસ નિમાવત નામના યુવાનના ઘરની બાજુમાં મહિલા રહેતી હતી અને આ મહિલાના ઘરે માણસોની અવર-જવર હોય તેમજ મહિલાના ઘરે આવતા માણસો રસ્તામાં આડેધડ વાહનો પાર્ક કરતા હોય જેથી કમલેશભાઇ મહિલા કાજલબેનને વાહનો આડા પાર્ક ન કરે તે બાબતે સમજાવવા ગયા હતાં. આ બાબતનો ખાર રાખીને બુધવારે રાત્રિના સમયે લાલો બારોટ અને ભગાભાઇ નામના બે શખ્સોએ આવીને કમલેશભાઇ ઉપર છરી વડે તથા લાકડી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ આર.કે.ખલિફા તથા સ્ટાફે કમલેશના નિવેદનના આધારે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.