કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા કિશનભાઈ રાજાભાઈ કરમટા નામના 23 વર્ષના યુવાન ગત રવિવાર તા.14 મીના રોજ મકરસંક્રાતિના દિને દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા. તેઓ હાથી ગેઈટ સામે આવેલા પાગલ આશ્રમ ખાતે રોકાયા હતા.
ઉતરાયણનો તહેવાર હોવાથી અહીં પતંગો કપાઈને આવતી હતી. આ આશ્રમની દીવાલો કૂદીને કેટલાક બાળકો પતંગ લેવા માટે અંદર આવતા હતા. જેથી કિશનભાઈ કરમટાએ બાળકોને દિવાલ કૂદીને આવવાની ના કહી, મેઈન ગેઈટથી અંદર આવવાનું કહ્યું હતું. આ બાબતનું મનદુ:ખ રાખીને મોટર સાયકલ મારફતે ચાર અજાણ્યા શખ્સો આ સ્થળે આવ્યા હતા. લોખંડનો પાઇપ અને લાકડી સાથે આવેલા ચાર અજાણ્યા શખ્સોએ ફરિયાદી કિશનભાઈ રબારીને બિભત્સ ગાળો કાઢી, બેફામ માર મારતા તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આરોપી શખ્સો દ્વારા હુમલો કરી, અને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે ચારેય અજાણ્યા શખ્સો સામે દ્વારકા પોલીસ મથકમાં આઈપીસી કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે અંગે પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.