દેવભૂમિ દ્વારકામાં સ્થાનિક પોલીસ દ્વારા ગઈકાલે સોમવારે પણ જુદી જુદી હોટલો તેમજ રેસ્ટ હાઉસમાં યાત્રિકોની નોંધ થવા અંગેની ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંની જુદી જુદી હોટેલમાં નિયમ મુજબ પથિક સોફ્ટવેરમાં અહીં આવેલા યાત્રિકોની એન્ટ્રી ન કરવા સબબ પોલીસ દ્વારા જાહેરનામા ભંગની કલમ 188 મુજબ કાર્યવાહી કરાઈ હતી.
જેમાં હોટેલ લુણાઈ સદનના સંચાલક અનિલ ભીખુભાઈ જગતિયા, આશાપુરા ભુવનના સંચાલક અનિલભા સાદુરભા માણેક, આવકાર સ્ટે પોઇન્ટના કરસન વશરામ ગઢવી અને શક્તિ નિવાસ હોટેલના પ્રિન્કેસ દિલીપભાઈ સોલંકી સામે સ્થાનિક પોલીસમાં ગુનો નોંધાયો છે. ભાણવડમાં રવિરાજ હોટલ પાસેથી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્સ વગર રૂ. 10,000 ની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળેલા રોહિત ઉર્ફે રાહુલ અરજણ કછોટ નામના 20 વર્ષના શખ્સની ઝડપી લઇ તેની સામે કલમ 185 હેઠળ ભાણવડ પોલીસમાં ગુનો નોંધાયો છે.
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલી એક દરગાહ પાસેથી પોલીસે ભરાણા ગામના હરદેવસિંહ ઉર્ફે ભૂરો ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના 28 વર્ષના શખ્સને લોખંડના પાઈપ સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે આઈપીસી કલમ 135 (1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.