Monday, December 23, 2024
Homeરાજ્યહાલારહોટલ બુકિંગના નામે ચિટિંગ કરતાં શખ્સને ઝડપી લેતી સાયબર ક્રાઇમ

હોટલ બુકિંગના નામે ચિટિંગ કરતાં શખ્સને ઝડપી લેતી સાયબર ક્રાઇમ

ખેતી કામ કરતા શખ્સને દબોચી લઈ, પોલીસે જુદા જુદા સાત ગુનાઓનો ભેદ ઉકેલ્યો

- Advertisement -

વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકા વિસ્તારની જુદી જુદી હોટલો, સંસ્થાઓની ફેક આઈડી તેમજ બોગસ વેબસાઈટ બનાવીને ચીટીંગ કરવાના અનેક બનાવો છેલ્લા કેટલાક સમયથી વધતા રહ્યા છે. જે સંદર્ભે પોલીસને કરવામાં આવેલી ફરિયાદના અનુસંધાને દ્વારકા જિલ્લા પોલીસ તેમજ સાયબર ક્રાઇમ સેલ વિભાગ દ્વારા અનેક આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. આ જ પ્રકારે વધુ એક પ્રકરણનો ભેદ ખુલ્યો છે. જેમાં સાયબર સેલ પોલીસે એક રાજસ્થાની શખ્સને દબોચી લીધો હતો. આ શખ્સ દ્વારા દ્વારકા ઉપરાંત અંબાજી, ધોળકા, આણંદ વિગેરે સ્થળે કરવામાં આવેલી ચીટીંગ અને છેતરપિંડીના સાત ગુનાઓ પોલીસ સમક્ષ કબૂલ્યા છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકા ખાતે દર્શનાર્થે આવતા ભાવિકો તેમજ શ્રદ્ધાળુઓ દ્વારા હોટેલના કરવામાં આવતા ઓનલાઇન બુકિંગ માટે વેબસાઈટ તથા ગૂગલ એડ બનાવી અને બુકિંગ કરવા સંદર્ભેના નોંધાયેલા ગુના અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ખાસ કરીને કડક વલણ અખત્યાર કરવામાં આવ્યું છે. જે સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચને આપવામાં આવેલી સૂચના અંતર્ગત તેમની ટીમ દ્વારા આ પ્રકારે કરવામાં આવતા ગુનામાં વપરાયેલા સીમકાર્ડની ઊંડાણપૂર્વકની માહિતી મેળવી, તપાસ હાથ ધરવામાં આવી હતી.

જે દરમિયાન રાજસ્થાન રાજ્યના ડીંગ જિલ્લાના કામા તાલુકામાં રહેતા સંજી હનીફ મેવ નામના 38 વર્ષના શખ્સને દબોચી લીધો હતો. વધુમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખેતી કામ કરતા આરોપી સંજી હનીફ દ્વારા રાજસ્થાનના ઘોઘર ગામ ખાતે રહી અને ખેતીકામ કરવા ઉપરાંત ડમી પ્રી-એક્ટિવેટ સીમકાર્ડ અને બેન્ક એકાઉન્ટ વેચવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. તેની સાથે તેના મિત્રો નફીસ અને ઘનસિંહ દ્વારા પણ આ પ્રકરણમાં વિવિધ પ્રકારે સંડોવણી કરી અને ફક્ત ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતના જુદા જુદા પર્યટન તેમજ ધાર્મિક સ્થળમાં રહેલી હોટેલ અને રિસોર્ટને ટાર્ગેટ કરવામાં આવતું હતું. આ શખ્સો દ્વારા ફેક વેબસાઈટો બનાવીને તેના પર પોતાની પાસે રહેલા ડમી નંબરો નાખી અને ઓનલાઇન એડવાન્સ પેમેન્ટ મેળવી અને લોકો સાથે છેતરપિંડી કરવાની કબુલાત આરોપી દ્વારા પોલીસ સમક્ષ આપવામાં આવી હતી.

- Advertisement -

આરોપીને પોતાના મિત્ર ધનસિંગ સાથે મળી અને વડોદરા ખાતે રહેતા હસન શેખ તથા અન્ય પાસેથી રૂ. 350 માં પ્રી-એક્ટિવેટ આ સીમકાર્ડ પોતાના ગામ તથા આજુબાજુના વિસ્તારમાં સાયબર ફ્રોડ કરનાર વ્યક્તિને રૂ. 1,000 લઈને વેચાણ કરતો હતો. આટલું જ નહીં, આરોપી દ્વારા પોતે માણસો રાખી અને ટકાવારી ઉપર ડમી કાર્ડ તેમજ બેન્ક એકાઉન્ટના નંબરો આપીને કામ કરવામાં આવતું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર તરીકેની ભૂમિકા પણ ખુલવા પામી છે.

હોટેલ બુકિંગ ગુનાઓની મોડેસ ઓપરેન્ડીમાં અનુક્રમે ફેક વેબસાઈટ બનાવીને હોસ્ટ કરવી, ડમી પ્રી-એક્ટિવેટ સીમકાર્ડ મેળવી અને તે વેબસાઈટમાં રાખવો તેમજ ફાઇનાન્સિયલ ટ્રાન્જેક્શન જેમાં ડમી બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવો એમ ત્રણ તબક્કામાં આ પ્રકારના ગુનાઓ આચરવામાં આવતા હતા. આ સમગ્ર તપાસ દરમિયાન પોલીસને દ્વારકા વિસ્તારના ચાર, અંબાજી, ધોળકા તથા આણંદ પોલીસ મથક મળી કુલ સાત ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી સાયબર ક્રાઇમ સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ, પી.એસ.આઈ. હેમંતભાઈ કરમુર, હેભાભાઈ ચાવડા, પબુભાઈ ગઢવી, મુકેશભાઈ નંદાણીયા તથા નાગાજણભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત જુદા જુદા વિસ્તારો માટે હોટેલ, ફ્લાઈટ, બસ સહિતના ઓનલાઇન બુકિંગ દરમિયાન ગૂગલ એડ પર આવતી જાહેરાતો તેમજ વેબસાઈટની ખરાઈ કરી અને ચકાસણી કર્યા બાદ સેવા કે કોઈપણ વસ્તુનું બુકિંગ કરાવવા તેમજ જરૂર જણાય તો જે-તે ઓફિસે જઈને માહિતી મેળવીને જ પેમેન્ટ કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આમ જનતાને અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular