Thursday, January 2, 2025
Homeવિડિઓખંભાળિયાના ઘી ડેમને નર્મદાના નીરથી ભરી દેવાશે: ડેમમાં પાણી છોડવાનો પ્રારંભ -...

ખંભાળિયાના ઘી ડેમને નર્મદાના નીરથી ભરી દેવાશે: ડેમમાં પાણી છોડવાનો પ્રારંભ – VIDEO

- Advertisement -
ખંભાળિયા શહેર તથા આસપાસના ગ્રામજનો માટે આશીર્વાદરૂપ એવા ઘી ડેમને સૌની યોજના હેઠળ પાણીથી સંપૂર્ણપણે ભરી દેવા માટેનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને સૌ કોઈ આવકાર્યો છે.
ખંભાળિયામાં આવેલા 20 ફૂટના ઘી ડેમમાંથી આસપાસના વિસ્તારોમાં રહેતા ખેડૂતોને સિંચાઈનું પાણી તેમજ સમગ્ર શહેર માટે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. હાલ છેલ્લા ઘણા સમયથી શહેરમાં એકાંતરા પાણી વિતરણ કરાય છે. ગત ચોમાસામાં અહીંનો ઘી ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા બાદ હાલ ઘી ડેમની સપાટી આશરે તેર ફૂટ જેટલી છે. ત્યારે આ ડેમને પુનઃ નર્મદાના પાણીથી સંપૂર્ણપણે ભરી દેવા અંગેની રજૂઆત અહીંના ધરમપુર જિલ્લા પંચાયતના સદસ્ય સંજયભાઈ નકુમ, હર્ષદપુર હાપીવાડીના સરપંચ જમનભાઈ નકુમ, સહકારી મંડળીના પ્રમુખ કિશોરભાઈ મંડપિયા, વિગેરે દ્વારા અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાને રજૂઆત કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને કરવામાં આવેલી કામગીરી બાદ આજરોજ શનિવારે સાંજે ઘી ડેમમાં 200 એમ.સી.એફ.ટી. પાણી છોડવા માટેનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ખંભાળિયા નજીકના કોટા ગામે આવેલા કોટેશ્વર મહાદેવ મંદિર નજીક રહેલા નર્મદા નદીના વાલ્વને ખોલીને ઘી ડેમમાં નર્મદાના પાણી વહેતું કરવામાં આવ્યું છે. આજરોજ સાંજે ઘી ડેમમાં પાણી છોડવાનો પ્રારંભ કરવામાં આવતા આ પ્રસંગે શક્તિનગર ગ્રામ પંચાયતના મયુરભાઈ નકુમ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવુભાઈ કછટીયા, સંજયભાઈ નકુમ, કિશોરભાઈ નકુમ, સુનિલભાઈ નકુમ, ભટગામના ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ રામભાઈ કારીયા, ઘી સિંચાઈ સહકારી મંડળીના પ્રમુખ કિશોરભાઈ મંડપિયા, સહિતના આગેવાનો કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સૌના મોં મીઠા કરાવી અને નર્મદાના નીરને વધાવ્યા હતા. સાથે સાથે ઉપસ્થિત સૌ કોઈએ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાનો આભાર વ્યક્ત કર્યો હતો.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular