પોલીસ અને કાયદો વ્યવસ્થા શબ્દ સાથે જોડાઈ રહેવા જોઈએ તેના બદલે ગુજરાતમાં પોલીસ અને ભ્રષ્ટાચાર શબ્દ એક બીજાના પર્યાય બની ગયા હોય તેવા ખુદ રાજય સરકારના આંકડાઓ સાક્ષી પુરે છે. 2023માં ફરી એક વખત ગુજરાત પોલીસે ભ્રષ્ટાચારમાં નંબર-વનનું રેકીંગ મેળવ્યું હોય તેવી સ્થિતિ છે.
રાજયમાં એન્ટી કરપ્શન બ્યુરોએ જે રીતે ભ્રષ્ટાચારના કેસમાં છટકા ગોઠવીને રંગે હાથ ઝડપવાના કેસ બન્યા હતા તેમાં ડેટા મુજબ ગૃહમંત્રાલયને આવરી લેતા આ પ્રકારના કેસો 65 પોલીસ કર્મચારીઓ સાથે કુલ 94 લોકો સામે 66 કેસ નોંધાયા હતા તે અને 60 કેસમાં કુલ રૂા.38.07 લાખની રોકડ ઝડપાઈ હતી જયારે પાંચ કેસમાં ‘ડમી’ અને એક કેસમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટ હેઠળ કાર્યવાહી થઈ હતી.
2023માં ગુજરાતમાં એન્ટીકરપ્શન બ્યુરોએ કુલ 205 કેસ નોંધ્યા હતા. 283 લોકોને ધરપકડ કરી હતી અને કુલ રૂા.1.19 કરોડની લાંચની રકમ ઝડપાઈ હતી. પોલીસ બાદ રાજય સરકારના પંચાયત, ગ્રામીણ હાઉસીંગ અને ગ્રામ્ય વિકાસ વિભાગ લાંચ લેવામાં બીજા નંબરે 2023માં રહ્યા છે. જયારે 37 કેસમાં રૂા.15.95 લાખની લાંચની રકમ ઝડપાઈ હતી જયારે મહેસુલ વિભાગ ‘સુધરી’ ગયો હોય તેમ 25 કેસમાં ફકત રૂા.15.70 લાખની રકમ હાથ થઈ હતી.
હવે લાંચની કિંમત પણ વધતી જાય છે. જો કે 2021ના કોવિડ કાળમાં પણ પોલીસે લાંચ લેવામાં સોશ્યલ ડિસ્ટન્સની ચિંતા કરી ન હતી અને રૂા.63.81 લાખની લાંચની રકમ ઝડપી હતી. મહેસૂલ વિભાગમાં જે રીતે લાંચના કેસ ઘટયા તે આશ્ચર્ય છે. અગાઉના સર્વેમાં મહેસુલ વિભાગ રાજયમાં લાંચ માટે સૌથી વધુ બદનામ હતું.