કલ્યાણપુર તાલુકાના રાણ ગામે ગઈકાલે સોમવારે બપોરે પોતાના ઘરના ફળિયામાં આવેલા ઊંડા બોરમાં ફસાયેલી અઢી વર્ષની માસુમ બાળકીને સલામતીપૂર્વક બહાર કાઢવા તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. ગત મોડીરાત્રી સુધી ચાલેલા આ ઓપરેશનમાં બાળાને બોરમાંથી જીવંત કાઢવામાં સફળતા મળી હતી. પરંતુ ગંભીર હાલત બાદ તેણીની તબીબી સારવાર કારગર નીવડી ન હતી.
કલ્યાણપુર તાલુકાના રહેતા એક ગઢવી પરિવારની અઢી વર્ષની માસુમ પુત્રી એન્જલ મુલાભાઈ સાખરા ગઈકાલે સોમવારે બપોરે આશરે દોઢેક વાગ્યાના સમય પોતાના ઘરના ફળિયામાં રમતા રમતા અહીં આવેલા આશરે 150 ફૂટ ઊંડા બોરમાં પડી ગઈ હતી. આ બનાવની જાણ જિલ્લા પ્રશાસનને કરવામાં આવતા રાણ ગામે દ્વારકા નગરપાલિકાનો ફાયર સ્ટાફ તથા એમ્બ્યુલન્સ ટીમ દોડી ગઈ હતી. 150 ફૂટ ઊંડા બોરમાં આશરે 30 ફૂટ વચ્ચે ફસાયેલી આ બાળકીનું રેસ્ક્યુ કરવા માટે સ્થાનિક તંત્ર ટૂંકું પડતા આ બાળકીને સલામતીપૂર્વક બહાર કાઢવા માટે આર્મીની મદદ લેવામાં આવી હતી. આર્મીના જવાનો સાથેની રેસ્ક્યુ ટીમ દ્વારા ગત સાંજ સુધીમાં દોરડા વિગેરેની મદદથી બાળાને થોડી ઉપર લઈ આવવામાં સફળતા મળી હતી.
પરંતુ આ જહેમત નિષ્ફળ બનતા જેસીબી તથા હિટાચી જેવા સાધનોની મદદથી ઊંડો ખાડો ખોદીને બાળકીને બહાર કાઢવા જહેમત ઉઠાવી હતી. આ બાળાના રેસ્ક્યુ માટે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, આર્મીના જવાનો, એનડીઆરએફની ટીમ, ડોક્ટરો, 108 સ્ટાફ, રેસ્ક્યુ ટીમ, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક વિગેરે સહિત તંત્ર-પ્રશાસન મોટી સંખ્યામાં અહીં ખડે પગે રહ્યા હતા.
આ બનાવે બાળાના પરિવારજનોમાં ભારે ચિંતાની લાગણી પ્રસરાવી હતી. સાથે સાથે બાળા તાકીદે સલામતીપૂર્વક બહાર આવી જાય તે માટે લોકોએ પ્રાર્થના – બંદગી કરી હતી.
અઢી વર્ષની બાળાને બચાવવા તંત્રનો પ્લાન- બી
રાણ ગામના ગઢવી પરિવારની અઢી વર્ષની માસુમ પુત્રી એન્જલ કે જે સોમવારે બપોરે તેમના ફળિયામાં રમતી હતી અને ખાનગી પવનચક્કી કંપનીમાં કામ કરતા તેમના પિતા એક વ્યવહારિક કામ સબબ બહાર ગયા હતા. ત્યારે તેમના ઘરે માતાની ધ્યાન બહાર આ બાળા બોરમાં પડી ગઈ હતી.
જે અંગે તંત્રને જાણ કરાતા સમગ્ર તંત્રએ તમામ શક્ય પ્રયાસ હાથ ધર્યા છે. આ બાળકીને બોરમાં ઓક્સિજન મળી રહે તે માટે 108 દ્વારા અવિરત રીતે ઓક્સિજન આપવામાં આવ્યો હતો. આર્મી સાથે એનડીઆરએફની ટીમ પણ આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ હતી. સાથે સાથે નજીકની ખાનગી કંપની દ્વારા પણ સ્ટાફ સહિતનો સહયોગ આપવામાં આવી રહ્યો છે. જેમાં પ્રથમ પ્લાન નિષ્ફળ જતાં પ્લાન-બી ના ભાગરૂપે તંત્ર દ્વારા બોરની પેરેલલ ખોદકામ કરી અને આ બાળાને બહાર કાઢવાનો પણ સ્વતંત્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓની અવિરત ઉપસ્થિતિ વચ્ચે ગત મોડી રાત્રિના આશરે દસેક વાગ્યે આ બાળકને બોરમાંથી જીવંત બહાર કાઢવામાં તંત્ર સફળ રહ્યું હતું. તે અંગેની કામગીરીને ઉપસ્થિત સૌ કોઈએ બિરદાવી હતી.
મૂર્છિત હાલતમાં રહેલી આ બાળકીને ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને તાકીદની સારવાર અપાયા છતાં પણ આ માસુમ બાળાને બચાવી શકાઈ ન હતી અને અહીં જ તેણે અંતિમ શ્ર્વાસ લેતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી. આ બનાવથી મૃતક બાળાના પરિવારજનો સાથે સમગ્ર પંથકમાં શોક સાથે અરેરાટી પ્રસરી જવા પામી છે.