સોમવારે વર્ષ 2024 ના પ્રથમ દિવસને આવકારવા સાથે 2023ના વર્ષને વિદાય આપવા માટેના વિવિધ કાર્યક્રમો ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં યોજવામાં આવ્યા હતા. ખાસ કરીને યુવા હૈયાઓ દ્વારા ગત વર્ષને વિદાય આપવા અને આગામી વર્ષને નવી આશાઓ સાથે આવકારવા માટે નાની મોટી પાર્ટીના આયોજનો કરવામાં આવ્યા હતા.
ખંભાળિયામાં ઈસુના નવા વર્ષને વધાવવા માટે જુદા-જુદા સ્થળોએ પાર્ટીઓના આયોજનો થયા હતા. ખાટી મીઠી યાદો લઈને વીતેલા વર્ષ 2023 ની વિદાય સાથે નવી આશાઓ, અપેક્ષાઓ, ઈચ્છાઓ તેમજ આકાંક્ષાઓ લઈને આવેલા વર્ષ 2024 સૌ માટે ખુશાલી રૂપ બની રહે તે માટે ગઈકાલે રવિવારે નાના મોટા આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને યુવાઓ તેમજ બાળકોએ મ્યુઝિક તેમજ લાઇટિંગના સથવારે ડાન્સ પાર્ટી, ગેમ્સ તેમજ વિવિધ પ્રકારના ભોજનના આસ્વાદ માણી અને પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથે કદમ મિલાવી, ભવ્ય ઉજવણી કરી હતી.
ગતરાત્રે 12 ના ટકોરે કેક કટીંગ, ડાન્સ પાર્ટી તેમજ આકાશમાં બલૂન છોડીને આતશબાજીની રમઝટ જોવા મળી હતી. ગઈકાલે વર્ષના અંતિમ દિવસ સાથે રવિવારની રજા હોય, આ સાનુકૂળ સંયોગ વચ્ચે ગઈકાલે રંગારંગ કાર્યક્રમથી વીતેલા વર્ષને ભવ્ય વિદાય વચ્ચે નવા વર્ષને વધાવવાના આયોજનો કરવામાં આવ્યા હતા.