આગામી લોકસભા ચુંટણીની તૈયારીમાં ભાજપે 2023ના અંતિમ સપ્તાહમાં જ પ્રદેશ કક્ષાની બેઠકમાં નવા ઉમેરાયેલા સહિત તમામ મતદારો સુધી પહોંચી વળવાનો પ્લાન તૈયાર રાખ્યો છે. 2024 માટે ભાજપની આ પ્રથમ સૌથી મોટી બેઠક બની રહી છે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના અગ્રણીઓ પણ હાજર છે.
આ બેઠકને પ્રારંભીક સંબોધનમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પેજ સમીતીની સફળ વ્યુહરચનાને આગળ ધપાવવા અનુરોધ કરતા કહ્યું કે આપણે તમામ 26 બેઠકો જીતવાની હેટ્રીક કરવાની છે અને તેમાં હવે દરેક બેઠક પર પાંચ લાખની લીડ પણ નિશ્ચિત રીતે લાવવાની છે. શ્રી પાટીલે કહ્યું કે તાજેતરની પેટા ચુંટણીમાં એ સાબીત થયું છે કે મતદારો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ અને તેમની ગેરેન્ટી જ કાફી છે.
આપણે રાજય તથા કેન્દ્ર સરકારની યોજનાઓને લોકો સુધી પહોચાડીને તેઓને લાભાર્થી બનાવીને તેઓ કમળ માટે મતદાન કરે તે જોવાનો છે. મોદીએ સમગ્ર વ્યુહરચના સમજાવતા કહ્યું કે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ સાથેજ આપણું કામ શરૂ થયુ છે. આપણી પેજ સમીતીને તે મુજબ અપડેટ કરીને નવા મતદારો સુધી પહોંચવાનું રહેશે.
પાટીલે બુથ વ્યુહ રચના પર ભાર મુકતા કહ્યું કે આપણે જે જે બુથ કે પોકેટ નબળા છે તેના માટે ખાસ રીતે ધ્યાન આપી એક પણ બુથમાં વિપક્ષની લીડ ન નીકળે તે જોવાનું છે. પાટીલે જણાવ્યું કે જીલ્લા તંત્ર પાસેથી મતદાર યાદી મેળવીને તુર્તજ તેના આધારે કામ કરવાનું રહેશે અને આપણે જનતાનો વિશ્વાસ જીતીને તેને આધારે આપણે તેઓને ભાજપ સાથે જોડવાના છે. પાટીલે જણાવ્યું કે જનતાનો વિશ્વાસ જીતવાથી તે આપોઆપ વોટબેન્કમાં પરિવર્તિત થઈ જશે.
તેઓએ મહિલા અનામત અંગે મોદી સરકારના 36 % અનામતનો ઉલ્લેખ કરતા કહ્યું કે મહિલા મતદારો ભાજપની સાથે છે તે હાલની વિધાનસભા ચૂંટણીઓએ પુરવાર કર્યુ છે અને આપણે ગુજરાતમાં 156 બેઠકો તેના આધારે જ મેળવી છે તેથી આપણું કામ સરળ બની ગયું છે.