દ્વારકામાં ચકચારી એવા પોલીસની બોલેરો જીપ ચોરી પ્રકરણમાં જવાબદાર મનાતા બે ચાલકોને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દ્વારકા પોલીસ મથકના પી.એસ.આઈ. બુધવારે નાઈટ રાઉન્ડની ફરજ બજાવી અને સવારના 5 વાગ્યે ઘરે ગયા હતા અને તેમની સરકારી બોલેરો જીપને દ્વારકા પોલીસ મથકે રાખવામાં આવી હતી. આ જીપના ચાલક દ્વારા બેદરકારી દાખવી અને જીપની ચાવી આ જ વાહનમાં રાખી ડ્યુટી પૂર્ણ થયા બાદ ચાલ્યા ગયા હતા. આટલું જ નહીં, તેમની જગ્યાએ ફરજ પર આવેલા બીજા ચાલકે પણ જીપની ચાવી સમયસર પોતાના કબજામાં લેવાની દરકાર કરી ન હતી.
આ વચ્ચે સવારે 8:15 વાગ્યે ગાંધીધામનો મોહિત અશોક શર્મા નામનો શખ્સ વાહનમાં ચાવી પડી હોવાથી ચોરી કરીને લઈ ગયો હતો. જે દ્વારકા નજીકના કુરંગા તેમજ ખંભાળિયા નજીકના ટોલનાકે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. ત્યારબાદ આ શખ્સ જામનગર એલસીબી તથા દેવભૂમિ દ્વારકા એસઓજી પોલીસે સંયુક્ત ઓપરેશનમાં તેને ઝડપી પાડ્યો હતો.
આ શખ્સ સામે ગાંધીધામ પોલીસ મથકમાં પણ અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે. આટલું જ નહીં, આરોપી મોહિત શર્મા ઉપરોક્ત પોલીસની બોલેરો જીપ ચોરીને અન્ય શખ્સને વેચી નાખવા માટે લઈ ગયો હોવાનું પણ પ્રાથમિક રીતે જાહેર થયું છે. આ શખ્સની રિમાન્ડ સહિતની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ બોલેરો જીપને સાચવવાની ફરજમાં બેદરકારી રાખવા સબબ દ્વારકા પોલીસ મથકના ડ્રાઇવર રાજુભાઈ જે. ઓળકીયા અને કાળુભાઈ એમ. મોઢવાડિયાને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયએ સસ્પેન્ડ કરી દીધા છે.