જામનગર શહેર અને જિલ્લાની પ્રજા શાંતિમય અને હંમેશા સહનશીલ રહી છે અને ખાસ કરીને વિરોધ પ્રદર્શનમાં બહુ પડતી નથી. હાલમાં જ શહેરના મુખ્ય રોડ એવા ગુલાબનગરથી સાત રસ્તા સર્કલ સુધીનો ઓવરબ્રીજ નિર્માણ થઈ રહ્યો છે. આ બ્રીજના નિર્માણને લઇને હાલમાં જ મ્યુનિસિપલ કમિશનર મોદી દ્વારા અમુક રસ્તાને ડાયવર્ટ કરવામાં આવ્યાનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જાહેરનામુ લાગુ કરાયાના દિવસથી જ આ ડાયવર્ટ કરાયેલા માર્ગ પર 30 થી 45 મિનિટ સુધી વાહનચાલકે ટ્રાફિક જામમાં ફસાયેલા રહેવું પડતું હતું. જો કે શહેરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે નિરીક્ષણ કરી પ્રજાને કારણ વગર પડતી તકલીફો અને પરેશાનીનો હલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસ દ્વારા અપાયેલા સહયોગથી થોડોઘણો ફરક પડયો હતો. ત્યારબાદ આ સમસ્યા માટે સાંસદ પૂનમબેન માડમે કમિશનર ડી એન મોદી, પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને એએમસી ભાવેશ જાની સાથે સ્થળ નિરીક્ષણ કરી ટ્રાફિક સમસ્યા સત્વરે હલ કરવા સુચનાઓ આપી હતી.
જનપ્રતિનિધિઓની મુલાકાત બાદ વ્યવસ્થામાં પોલીસ વિભાગ દ્વારા ઘણો સુધારો કરવામાં આવ્યો હતો અને સાંકળા માર્ગ વચ્ચે ડીવાઈડર મુકી ટ્રાફિક વ્યવસ્થા હળવી કરવામાં આવી છે. પરંતુ, તેની સામે અંબરચોકડી બંધ કરેલા રસ્તા પાસે જાહેરનામાના જ દિવસે જ ટ્રાન્સફોર્મર દૂર કરી નાનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. જોકે, આ રસ્તો સાંકળો હોવાને કારણે અને ત્યાં જ આડેધડ પાર્ક કરાયેલી રીક્ષાઓ તથા વાહનોથી સાંકળા રસ્તામાંથી વાહન પસાર કરવું અત્યંત જટીલ બની ગયું છે. દુ:ખદ બાબત એ છે કે, ટ્રાફિક પોલીસે આ વિસ્તારમાં અથવા તો હાલના સમયે જે ડાયવર્ટ કરવામાં આવેલા છે તે રોડ પર શહેરીજનો અથવા તો રીક્ષાચાલકો આડેધડ પોતાના વાહનો મુકી વાહન પાર્ક ન કરે તે અંગેની તકેદારી રાખવી વાહનો પાર્ક ન થવા દેવા જોઇએ. પરંતુ, ટ્રાફિકના જવાનો તો બાઈકમાં બેસવામાં અને મોબાઇલમાં રચ્યાપચ્યા રહે છે અને તેઓની આ બેજવાબદારી પ્રજાએ સહન કરવી પડે છે. પોલીસ અધિક્ષકે પણ હાલની સમસ્યા તથા કાયમ માટે ટ્રાફિકના જવાનો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે તેવી તે માટે કડક પગલાં લેવા જરૂરી બની ગયા છે. કેમ કે, મુખ્ય રોડ પર આડેધડ વાહનો અને રીક્ષાઓના ખડકલાઓને કારણે વાહનચાલકોએ પસાર થવું માથાના દુ:ખાવા સમાન બની ગયું છે. આ માર્ગ પર ટ્રાફિક જામના કારણે દર્દીને લઇને જતી એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ જાય છે.